હોળી ઉત્સવ

रंगोका ये त्योहार है तुम्हे समर्पित

हल्दी कुमकुम अबील गुलाल और अक्षत

लिये खडी हूं में प्रतीक्षित्...........

 

ઉત્સવ નો અર્થ જોવા જઇએ તો આ રીતે છે.
ઉ=ઉમંગ
ત્સવ=ઉછાળવું
,

જે ઉમંગો ઉછાળે છે તે ઉત્સવો.

વિશ્વભરની માનવપ્રકૃતિ એ ઉત્સવ પ્રિય પ્રજા છે અને તેનું સૌથી મોટું સ્વરુપ ભારતવર્ષ માં વ્રજની અંદર જોવા મળે છે.આપણું વ્રજએ આનંદ નું ધામ છે અને અહીં સદા, સર્વદા આનંદ, ઉલ્લાસ ને ઉમંગો ઉછળતા જ રહે છે તેનું કારણ એ છે કે વ્રજ આપણા પ્રભુની જન્મભૂમિ છે અને જે ભૂમિમાં આનંદ સ્વરુપ શ્રી કૃષ્ણ(ઠાકોરજી) રહેતા હોય તે ભૂમિ ઉત્સવ પ્રિય કેમ ન હોય. શ્રી કૃષ્ણના સમયમાં જે કોઇ ઉત્સવો ઉમંગો ઉછાળીને ઉજવાતા હતા તે ઉત્સવોની પરંપરા આજે પણ ચાલે છે. વ્રજના સર્વ ઉત્સવોમાં બે ઉત્સવ સૌથી મોટા છેં. 

(૧)હોળી

(૨)દિવાળી.

 

વસંત પંચમી

આ હોળાષ્ટક ના દિવસો દરમ્યાન શુભલૌકિક કાર્ય થતા નથી હોળીના દિવસો ની શરુઆત વસંતપંચમીથી થાય છે. આ દિવસ થી ઝાંઝ વાગે છે વ્રજભક્તો ધમાર ગાઇને કામનું ઉદ્દીપન કરે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદ ને ઢાંકી દેવાય છે કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદ ના દર્શન કરી લે તો મનમાં દાસ્યભાવ આવી જાય છે તેથી ખેલ વખતે સખ્યભાવ જ આગળ રહે તેનું ધ્યાન રખાય છે.

 

ચંદન, કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. દરેક રંગ ના જુદા જુદા ભાવ છે.

કેસરી રંગ શ્રી સ્વામિનીજી નો ભાવ છે.
શ્વેત રંગ શ્રી ઋષિરુપા સખીઓ નો ભાવ છે.
ગુલાલ નો લાલ રંગ શ્રી ચંદ્રાવલિજી નો ભાવ છે.
શ્યામ રંગ નો ચુવો એ શ્રી યમુનાજી નો ભાવ છે.

 

સામાન્ય રીતે બીજે બધે હોળી બે દિવસ મનાવવા માં આવે છે. વ્રજમાં વ્રજની હોળી કૃષ્ણમય બનીને રંગાઇ જાય છે અને કૃષ્ણ હોળીમય બનીને રંગાઇ જાય છે. પહેલા દિવસે હોળી પ્રગટાવવાની અને બીજે દિવસે રંગોથી ખેલવાની, પરંતુ ચોર્યાશી કોસ ના વ્રજમાં હોળી ની વધાઇ ચાલીસ દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા સત્તર દિવસ ઊજવવા માં આવે છે.ખાસ કરીને પુષ્ટિમાર્ગીય મંદિરોમાં વસંતપંચમી થી લઇ ને ફાગણ વદ એકમ સુધી હોળીત્સવ મનાવવામાં આવે છે.જેમ દિવસો જાય તેમતેમ ક્રમશઃ હોળી ખેલ વધતો જાય છે.હોળીના રંગોત્સવ દરમ્યાન વ્રજમાં લોકસંગીત અને રસિયા ની રમઝટ થાય છે. કયાંક કુસ્તી ના દંગલ તો કયાંક નૃત્ય અને કયાંક કોઇક જગ્યાએ રસીલી ઢાઢીલીલા ની અંદર વ્રજ ખોવાઇ જાય છે.વ્રજનાં હોળી ઉત્સવ દરમ્યાન પ્રત્યેક વ્રજનારી ગોપી અને પ્રત્યેક વ્રજનાર કૃષ્ણ બની જાય છે. આમ તો વ્રજ માં સર્વત્ર હોળી નો ઉત્સવ મનાવવામા આવે છે, પરંતુ ચાર સ્થળની હોળી વધારે પ્રસિધ્ધ છે.

૧)નંદગામ બરસાના ની હોળી

     નંદગામના છેલછબીલા યુવાનો રંગ ઉડાડતાં, નાચતા ગાતા હાથમાં ચામડાની મોટી મોટી ઢાલો લઇને બરસાને આવે છે અને બરસાના ની યુવતીઓ લાકડીઓથી તેમનું સ્વાગત કરે છે. બરસાનાની યુવતીઓ ચપળતાથી ફરતી ફરતી લાકડી ઓના ઘા યુવાનો પર કરતી જાય અને યુવાનો ચામડાની ઢાલથી પોતાના માથે પડતા ઘા ને ઝીલી લે છે. બરસાનાની સાંકડી ગલીઓ આ લઠ્ઠમાર હોળીનો આનંદ લેતી જાય છે અને રંગ ગુલાલનો વરસાદ કરતી જાય છે.

૨)જાવબેઠન ની હોળી

     વ્રજમાં બીજી હોળી જાવબેઠનની પ્રસિધ્ધ છે.અહીં શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીનાં ચરણો માં અળતો લગાવેલો હતો અહીં ચૈત્ર સુદ બીજ ની બપોરથી હોળીખેલનો આરંભ થાય છે. જે સુર્યાસ્ત સુધી ચાલે છે. ગામના તમામ નાનામોટા લોકો ગામના ચૌરાહા (ચોક) માં એકઠા થાય છે પછી હાથમાં ઝાંઝ, પખવાજ, ડફ, થાળી, મંજીરા, ઢોલક, ખંજરીના મોટાધ્વનિ સાથે ગામની ગલીઓમાં ફરે છે તે દરમ્યાન ગામની નવવધૂઓ તેઓનું સ્વાગત અબીલ, ગુલાલની સાથે સાથે લાકડીઓથી  કરે છે અને યુવાનો લાકડીઓ ના તે માર થી બચવા માટે વાંસની ટોપલીઓ ની ઢાલ બનાવી લે છે.

૩)દાઉજી ની હુરંગા હોળી

        લઠ્ઠમારની હોળી જેવી જ દાઉજીની હોળી હોય છે. હોળીના ઉત્સવમાં સખ્ય ભાવ હોવાથી અરસપરસ ભેદભાવ હોતા નથી. એકમેક ભેગા થઇ ફગુઆ ખેલે છે અને આઠ દિવસ અગાઉ થી ઘૈરાયા બની ને નાચે છે. અબીલ, ગુલાલ અને પલાશના ભીના રંગોથી પિચકારી ભરી એકબીજા ઉપર છાંટે છે.

૪)ફારેન ગામની હોળી

          વ્રજનાં ફારેન ગામમા જયારે હોળી સળગાવવામા આવે છે ત્યારે તેના સળગતા અંગારા ઉપર યુવાનો મસ્તીથી ચાલે છે. આજુબાજુ અગ્નિની જ્વાળા માંથી તણખલાઓ ઉડે છે  પરંતુ તે દ્રશ્ય અત્યંત  રોમાંચકારી હોય છે.

 

દોલોત્સવ

ડોલ ની વધાઇ ચાલીસ દિવસ પહેલા થી બેસે છે.હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે, જુદાજુદા સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. (દોલ શબ્દનુ અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભબાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગો ની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે અને ફૂલડોલનાં ઉત્સવ દરમ્યાંન મેળાઓ ભરાય છે. ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે વિશ્રામઘાટ પર, ફાગણવદ અગિયારસ ને દિવસે માનસરોવર અને રાધારાણીના મંદિરે, પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં ફાગણવદ એકમે આ ઉત્સવ ઉજવાય છે.

 

      વર્ષમા એકવાર વ્રજભક્તો  શ્રી પ્રભુ ને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હ્રદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે. આથી આ સખ્યસમય દરમ્યાન  તેઓ ઠાકોરજી સાથે રંગો થી રમે છે એટલું જ નહીં પણ સાથે સાથે ખેલ દરમ્યાન ગાળાગાળી પણ કરે છે.બધાં મંદિરોમાં પૂરો એક મહિનો  અબીલ-ગુલાલ-ચંદન-ચુઆ વરસે છે.ધ્રુપદ-ધમાર-રસિયા ગવાય છે.ઝાંઝ,ડફ,મૃદંગ,પખવાજ,તુરી,થાળી વગેરે વાગે છે અને તન અને મન રંગાઇ જાય છેં.

 

રસિયા____રસિયા ખેલે રસિયા સંગ મારે હો રંગો કિ ફુહાર.......

                           ના ના ના ડારો રે મોપે રંગો કી ફુહાર.........મોરે રસિયા

                                                      કાહે ના ડારે રંગો કી ફુહાર મોરી રસિયા

                                                                  દેખો રી આઇ હે બસંતબહાર ઓ રી રસિયા

હોરી હોરી હોરી ખેલો રે રંગ રસિયા.....ઉડાઓ રે આજ રંગ ગુલાલ કી બૌછાર મોરી રસિયા.

 

Lathmar Holi - in photos

 

પૂર્વી મલકાણ મોદી

 

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli