વ્રજના દીપો ની દિપમાલિકા
દિવાળી

 

 

દશેરા પુરી થાય કે તરત વ્રજમાં દિવાળી ઉત્સવની તૈયારીઓ ચાલવા લાગે છે. ગુજરાતની જેમ વ્રજનો દિવાળી ઉત્સવ પણ કંઈક અનેરો  હોય છે. કાર્તિકી બીજનું યમુના સ્નાન , લીલી પરિક્રમામાંથી પાછા ફરતાં યાત્રાળુંઓ, દેવદિવાળીનાં થતો તુલસી વિવાહ,........આમ તો કેટલીયે અવનવી યાદો અને ઉમંગથી ભરેલો છે દિવાળી ઉત્સવ પરંતુ વ્રજની સંસ્કૃતિમાં રાગ અને ભોગ મુખ્ય છે તેથી ઉત્સવ દરમ્યાન પણ ગાન, વાદન, વાદ્યો અને ભોજનનો અનેરો મહિમા છે.  દિવાળી દરમ્યાંન વ્રજ વિવિધ પકવાનોની સુગંધથી મહેંકી ઊઠે છેં.  વ્રજનાં દરેક ઘર એક સ્વતંત્ર મંદિર સમાન છે તેથી મંદિર સમા દરેકે દરેક ઘરમાં દિવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છેં.

 

વાઘબારસ 

  દિવસ ને વચ્છ બારસ કહેવામાં આવે છે કારણ કે બચ્છવનમાં (હાલનું સઇ ગામ) જ્યારે પ્રભુ ગૌચારણ કરી રહ્યાં હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડા, ગાયો અને ગોપબાળકો ને હરી ને બધા ને બ્રહ્મલોકમાં લઇ ગયા હતાં અને ફરીવાર તે જ્યારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધા ગોપ, ગાયો, વાછરડાઓ યથાવત જણાયા. તેથી સમાધિ લગાવતા તેમણે જોયું કે જે કંઇ તેમણે જોયું હતું તે તમામ રૂપો કૃષ્ણમય હતાં જોઇ ને તેમનો મોહ ઉતરી ગયો તેમણે પ્રભુની માફી માગી મૂળસ્વરૂપોને ફરી  બ્રિન્દાબનમાં પાછા પધરાવ્યાં.   દિવસે પીળા રંગનું ઘણું મહત્વ હોય છે.

 

ધનતેરસ

આસો વદ ધન તેરસ ને દિવસે નંદાલયમાં માતા યશોદાજી લક્ષ્મીજીની મૂર્તિ ને સજાવી ને શ્રી હરિનાં સાનિધ્યમાં મુકે છે કારણ કે શ્રી લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા છે.  પરંતુ વ્રજવાસીઓનું સાચું ધન ગૌધન છે તેથી નંદનંદન ગાયોને શણગારે છે અને ગાયોનું પૂજન કરે છે. દિવસે ઠાકોરજીની નજર ઉતારવામાં આવે છેં. લીલા રંગનું ખુબ મહત્વ છે.

ધનતેરસનું પદ રાગ - દેવગંધાર

આજ માઇ ધન ધોવત નંદરાની

 આસો વદી તેરસ દીન ઉત્તમ

                             ગાવત મધુર બાની

       નવસત સાજ સિંગાર અનુપમ,કરત આપ મનમાની

        કુંભનદાસ લાલ ગિરિધર પ્રભુ,દેખત હિયો સરાની...

 

રૂપ ચતુર્દશી (નરક ચતુર્દશી)

 આસોવદ ચૌદશને દિવસે પ્રભુ ને આંબળા અને ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવાય છે.   દિવસે લાલ રંગનો મહિમા છેં. દિવસે દ્વારિકા લીલામાં પ્રભુએ નર્કાસુરે પકડેલી ૧૬૦૦૦ રાજકન્યાઓને છોડાવી હતી ત્યારે રાજકન્યાઓએ પ્રભુને પૂછયું કે અમે આટલા વર્ષોથી એક રાક્ષસના ઘરે બંદી હતાં તેથી અમારો સ્વીકાર કોણ કરશે? તેથી પ્રભુએ તે તમામ રાજકન્યાઓ સાથે લગ્ન કરીને માનપૂર્વક પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું.

રૂપ ચતુર્દશીનું પદ રાગ દેવગંધાર

    આજ ન્હાઓ મેરે કુંવરકાન્હા માની કાલ દિવારી

       અતિ સુગંધ કેસર  ઉબટનો, નયે વસન સુખકારી

              કછુ ખાઓ પકવાન મિઠાઈ, હોં તુમ પર વારી

                  કર સિંગાર ચલે દોઉ ભૈયા,તૃન તોરત મહાતારી

                             ગોધન ગીત ગાવત વ્રજપુરમેં,  ઘરઘર મંગલકારી

                                   કૃષ્ણદાસ પ્રભુ કી યહ લીલા,શ્રી ગિરિ ગોવર્ધનધારી

 

દિપમાલિકા દિપાવલિ

 ઘર ઘર દિપમાલિકાની જ્યોતથી રીતે ઝળહળી ઊઠે છે કે જોતા એવું લાગે કે જાણે આકાશે પોતાના તમામ તારા અને ચાંદલિયાઓની ભેંટ વ્રજ ને ધરી દીધી હોય. વ્રજના માનસીગંગાનાં કિનારા પર દિપદાનનો ખાસ મહિમા છે.  કુંડની, સીડી, ઘાટ, પગથિયાં, ચોક, ઝરુખાઓ, ગલીઓ,  ઘરઆંગણ અને ઘરદ્વારે દિવડાઓ ઝગમગી ઊઠે છે.  માનસીગંગાનાં જળમાં ઘીના નાના-મોટાં દિવાઓ તરતા મૂકવાનું મહત્વ છે ને સાથે અહીં દિપદાન કરવાનો પણ મહિમા છે.

 

દિવાળી ને દિવસે અહીં મેળો ભરાય છે. માનસીગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમાં કરવામાં  આવે છેં.  દિવાળી બાદ બીજા દિવસે અન્નકૂટનો મહોત્સવ થાય છે. દિવસે ગોવર્ધન પુજા માટે ગોકુલથી શ્રી ગોકુલનાથજી ખાસ જતિપુરા આવે છેં.  દિવાળીના દિવસે નંદાલય હવેલીમાં નગાડા વગાડાય છે.

 દિપમાલિકા દરમ્યાંન હટડી

નંદાલયમાં હટડી (દુકાન) ભરાય છે સોના ચાંદીના ત્રાજવા અને કાટલાં મૂકાય છે જેમાં પ્રભુ વ્રજભક્તો ને સખડી , અનસખડી,  દૂધઘરની વિધ વિધ સામગ્રીઓ, સુકા અને લીલા મેવા, તેજાના, સુપારી, બીડા,  અત્તર, કેસર, ચંદન, ચોખા, ઘી, દૂધ, માખણ ખાંડ અને મેવાનાં ખિલૌના,તલ અને રાજગરાનાં લાડું, ગુજીયા, ગજક વગેરે તોલી ને આપે છે વળી ચોપાટ,  ઘુઘરડાં,  દિપ, કુમકુમ,  હાથી, ઘોડા, ગાય વગેરે લાકડાંનાં ખિલૌનાં વગેરે પણ વેચવા માટે હોય છે. તમામ ચીજવસ્તુઓ તે દિવસે અન્નકૂટનાં ઉત્સવમાં અને તે દિવસની સજાવટમાં ઉપયોગ કરાય છે.

આજે ગોકુળ ગામમાં ઉત્સવ યોજાયો કે લાલ મારો બનીયો શેઠીયો રે લોલ

પહેર્યા જરિયન વાઘા ને કેસરીયો સાફો માથે બાંધ્યો લોલ...કે લાલ મારો બનીયો...

ગળામાં છે મોતીયન માળા ને કાંડે રુપેરી પ્હોંચી કેવી સોહાય જો...કે લાલ મારો બનીયો....

ઝગમગ કરતી પહેરી મોજડીઉ ને ખભે ખંતીલો ખેસ જો...કે લાલ મારો બનીયો....

ચપચપાચપ ચાલ છે એની ચપીલી ને હાથમાં છે રગમગતી લાકડી...કે લાલ મારો બનીયો...

યમુનાના તટે છે મારા લાલની હાટડી ને હાટડીમાં છે સામગ્રીઓ અપરંપપાર....કે લાલ મારો બનીયો....

સામગ્રી જોવાને આવજો કે ખરીદવાને આવજો પણ આવજો જરૂરથી કારણ કે...લાલ મારો બનીયો...

આવોને શેઠ, આવો કાકા ને કાકી...મીઠાં મધુરા શા સાદે મારો વ્હાલો બોલાવે....કે લાલ મારો બનીયો ...

  દિપમાલિકાનો  દિવસ

 તે દિવસે પ્રભુ પ્રત્યેક ગાયોનાં કાનમાં તે દિવસ સાંજે અને બીજા દિવસે સવારે વહેલા ગોવર્ધન પૂજન સમયે આવજો તેમ કહી પોતાનાં મંદિરે આવવા માટે આમંત્રણ આપે છે અને શણગારેલી ગાયો ને મંદિરમાં લઇ આવવામાં આવે છે તેને કાન્હજગાઇના નામથી ઓળખવામાં આવે છે. હવેલીઓમાં અત્તર છાંટવામાં આવે છે. રાત્રીના સમયે પ્રભુ શ્રી સ્વામિનીજી સહીત સખીજનો અને ગોપસખાઓ સાથે ચોપાટ ખેલે છે. દિવસે રૂપેરી, સોનેરી અને સફેદ રંગનો મહિમા છેં. હીરા, મોતી અને રત્નોનાં આભૂષણો પ્રભુને ધરાવાય છે.. છે. ગોબરના ગોવર્ધન બનાવીને તેનું પૂજન કરાય છેં. ગાયોને શણગારાય છે. આજ દિવસે વ્રજમાં અને મેવાડમાં જુઆ અથવા ચોપાટ ખેલવાની વિચિત્ર પ્રથા છે અને હવેલીઓમાં પણ દિવસે ચોપાટ બિછાવવામાં આવે છેં. દિવાળી વૈશ્યો (વણિક લોકો જેઓને પોતાના કામધંધા હોય, આજની ભાષામાં કહીયે તો બિઝનેસ વાળા લોકોનો) તહેવાર મનાય છે. તેથી દિવસોમાં સાફસૂફી થાય છે અને ઘરમાં પવિત્રતાંવાળું વાતાવરણ કરાય છે. ધૂપદીપથી માતા લક્ષ્મીજીનું પૂજન કરાય છેં. આજ દિવસે દ્વારિકા લીલામા કૃષ્ણ ભગવાને સત્યભામાજીનું મન રાખવા માટે સ્વર્ગમાંથી સુગંધિત પારિજાતના ફૂલોનું વૃક્ષ લાવી ને સત્યભામાજીના આંગણમાં રોપ્યું હતું..

ગોવર્ધન પૂજા  અન્નકૂટ મહોત્સવ

 દિવાળી પછીના બીજા દિવસે નિત્ય રીતીથી રાજભોગ સર્યા બાદ ગોવર્ધનપૂજાની તૈયારી થાય છે. મંદિર કે હવેલીના ચોકમાં ગાયનાં ગોબરથી (ભાવાત્મક રૂપે) શ્રી ગિરિરાજ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બનાવવામાં આવે છે.  ઘીના દીવા,  હલ્દી,  કુમકુમ , અબીલ વડે ચોક પુરાય છે.  જળ,  દૂધ,  દહીંથી શ્રી ગોવર્ધનનાથજીને સ્નાન કરાવાય છે. ચુઆ, ચંદન, કુમકુમ, અબીર, ગુલાલ આદી સમર્પિત થાય છેં. સૂક્ષ્મ વસંત ખેલ થાય છે.......શ્રી ગિરિરાજજીને, ગાયને અને ગોવાળો ને હલ્દી,  કુમકુમનાં થાપા દેવાય છે અને ઉપરણો ઓઢાડાય છેં.  ગાયોને પ્રસાદી ફુલડો  આરોગાવાય છેં.  શ્રી ગિરિરાજજી ગોવર્ધનનાથજીની પૂજા કરી પરિક્રમા કરાય છે. પ્રભુ અંદર પધારે પછી શીતળ ભોગ ધરાવવામાં આવે છેં.  અન્નકૂટમાં થોડા થોડા અંતર પર પ્રથમ દૂધઘરની સામગ્રી  ત્યારબાદ અનસખડીની સામગ્રી,  અને ત્યારપછી સખડી સામગ્રી ધરવામાં આવે છે, ઉપરાંત નાગરી,  લીલો અને સુકો મેવો ઇત્યાદી પ્રભુને ધરાવાય છે સાથે જળ જમુનાની ઝારી અને પાન સુપારીના બીડાં ધરાવાય છેં. પ્રત્યેક સામગ્રીમાં તુલસી પધરાવવામાં આવે છેં. કાર્તિક માસમાં કમળ,  કેવડો,  માલતી,  તુલસીદળ, દીપદાન પાંચ વસ્તુઓ પ્રભુને પ્રિય છે.  અન્નકૂટ મહોત્સવ નંદબાબા સહીત વ્રજજનોનો અન્યાશ્રમ છોડાવવાની અને ઇન્દ્રમાન ભંગની લીલા છે.

યમદ્વિતિયા ભાઇબીજ

 ભાઇબીજનો દિવસ યમદ્વિતિયાના નામથી ઓળખાય છે દિવસે શ્રી યમુનાજીએ પોતાના મોટા ભાઇ શ્રી ધર્મરાજ યમદેવજી ને પોતાના ઘરે આમંત્રણ આપીને બોલાવ્યાં બાદ અતિ પ્રેમથી જમાડયાં હતાં. નાની બહેન યમુનાનો અતિ વિશુધ્ધ પ્રેમ જોઇને ભાવવિભોર થયેલા યમરાજાએ શ્રી યમુનાજી ને વચન આંપ્યું હતું કે જે કોઇ દિવસે યમુનાસ્નાન કરશે તેને મૃત્યુનો ભય નહી રહે ખાસ કરીને જે કોઇ ભાઇબહેન સાથે સાથે સ્નાન કરશે તે અતિ શુભ મનાશે તેથી દિવસ ને ભાઇબીજના નામેથી ઓળખવામાં આવે છેં. આથી કાર્તિકિ બીજનાં દિવસે વ્રજનાં મથુરાનાં વિશ્રામ ઘાટેથી યમુના સ્નાન કરવાનું મહત્વ છે. બીજનો ચંદ્રએ કર્તૃત્વનો પ્રતીક છેં. પોતનો ભાઇબીજના ચંદ્ર જેવો કર્મયોગી બને તેવી બહેનની અભિલાષાનો દિવસ સૂચક છે. દિવસે લાલ જરીના વસ્ત્રો અને મોરચંદ્રિકાનો શૃંગાર ધરાવાય છેં. હવેલીઓમાં મગની દાળની ખીચડી, કઢી અને અન્ય સામગ્રી સાથે થાળ ધરાય છે.

દેવ દિવાળી / પ્રબોધિની એકાદશી

 શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે જગાડવામાં આવે છેં. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે મહુર્ત પ્રમાણે મંડપ શેરડીનાં ૧૬ સાંઠા થી બંધાય છે. વિવાહ ખેલના ગીતો ગવાય છે.  પ્રભુ સમક્ષ સુંદર રંગોળી કરાય છે.  લાલરંગના જરીવસ્ત્ર સાથે કુલ્હે કેસરી ચંદ્રિકાનો શૃંગાર થાય છેં.  વાંસની છાબડીમાં જામફળ,  શેરડી, સીતાફળ આદી ધરવામાં આવે છેં.  આજથી શીતકાલ બેસતો હોવાથી પ્રભુ પાસે અંગીઠી ધરાય છે. વ્રજને ઉત્સવો ઘણાં પ્રિય છેં અને ઉત્સવો ને વ્રજ ઘણું પ્રિય છે એમ કહી શકાય વળી ઉત્સવોમાં આનંદ સાથે ધર્મનું પણ બીજ રહેલું હોઇ તેમાં સાત્વિકતા અને પવિત્રતા પણ રહેલી છે.  તેથી વ્રજમાં બારેમાસ વ્રજભક્તોની ભાવનાને કારણે આનંદ ઉલ્લાસ વ્રત થતાં રહે છેં.

 

 

પૂર્વી મલકાણ મોદી

                                                                      

© Purvi Malkan
[email protected]

 

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli