૧) સ્નાન-યાત્રા
સામાન્યત: સ્નાન યાત્રા જયેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે થાય છે પરંતુ પુરૂષોત્તમ માસની સુદની પૂર્ણિમાના દિવસે આ ઉત્સવ મનાવવામાં આવે છે. સ્નાન યાત્રા એ શ્રીનંદરાયજીએ પોતાના રાજકુમાર શ્રીકૃષ્ણનો વ્રજના રાજા તરીકે રાજયભિષેક કર્યો હતો તેની ભાવના છે. આ ઉત્સવમાં આગળનાં દિવસે જલ લાવી રાત્રીનાં સમયે તેને સતપ કરી તે જલમાં કદમ, કમળ, ગુલાબ, ગુલછડી, સોનજુહી, જુઇ, ચંપો, ચમેલી, મોગરો અને તુલસી આદી પધરાવે છે.
રાત્રીભર શિતલ
સુગંધયુક્ત થયેલા જલની બીજે દિવસે સવારે પુજા કરવામાં આવે છે શ્રીજી બાવા ને કેસરી
કિનારી વાળી સફેદ ધોતી ઉપરણાં ધારણ કરાવવાંમાં આવે છે અને તિલક કરવામાં આવે છે.
મંગલામાં દર્શન ખુલ્યા બાદ જલથી વેદોચ્ચારમંત્ર સહિત શંખથી પ્રભુને સ્નાન કરાવાય
છે. ગોપીવલ્લભ ભોગ માં પ્રભુ આંબાની કેરીઓ આરોગે છે, ચિરોંજીનાં લાડુ, લીલોમાવો
વગેરે ધરાવાય છે. આજ થી એક મહિનો શ્રીયમુનાજીના ગુણગાન ખાસ ગાવામાં આવે છે. આ સમયે
પ્રભુ વ્રજભક્તો સાથે જલ-નાવ-વિહાર કરે છે.
૨) રથ-યાત્રા
સામાન્યત: અષાઢ સુદ બીજ અથવા ત્રીજના દિવસમાં જ્યારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ ઉત્સવ મનાય છે. શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુ જ્યારે શાસ્ત્રાર્થ વિજયી થઇ જગન્નાથપુરી પધાર્યા ત્યારે શ્રી જગન્નાથજી એ ૩ આજ્ઞા કરી કે પુષ્ટિમાર્ગમાં રથયાત્રાનો ઉત્સવ મનાવવો, શ્રીનાથજીબાવાને શાક આરોગાવવું, જગન્નાથજીમાં એકાદશી નથી મનાવાતી તેમ શ્રીનાથજીમાં પણ ન મનાવાય (અહીં ફક્ત શ્રીનાથજીમાં કહ્યું છે પુષ્ટિમાર્ગ નથી કહ્યું)
સૌ પ્રથમ શ્રીમહાપ્રભુજીએ અડેલમાં ધામધુમથી નવનિતપ્રિયાજીને રથમાં પધરાવીને વાજતેગાજતે
ગામમાં ફેરવીને ઉત્સવ મનાવ્યો હતો આ દિવસે પ્રભુ વ્રજભકતોના ઘરેઘરે પધારીને તેમના
મનોરથો પુર્ણ કર્યા હતાં. આ દિવસે શ્રીજીબાવા સિવાય નાં અન્ય સ્વરૂપો રથમાં બિરાજે
છે વળી આ દિવસે શ્રીમહાપ્રભુ વલ્લભાચાર્યજીએ
વ્યોમાસુરલીલા કરી હતી તેથી શ્રીજીબાવા આ દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરે છે.
૩) કસુંબા છઠ્ઠ
મથુરા ગયેલા શ્રીપ્રભુની રાહ
જોઇ રહેલી વિરહિણી વ્રજાંગનાઓ આ દિવસે લાલરંગનાં વસ્ત્રો ધારણ કરીને પનઘટ ઉપર
શ્રીઠાકુરજીની રાહ જોતી હતી અને પ્રભુ વિરહિણી વ્રજાંગનાઓના મનની આ વાત જાણતા હતા
આથી આ દિવસે શ્રીજીબાવા ઘેરા રંગના વસ્ત્રો ધારણ કરે છે, આ દિવસે શ્રી
ગુસાંઇજીપ્રભુચરણ નો છ માસ નો વિરહ પુર્ણ થયો હતો અને તેઓ શ્રીનાથજી બાવાની સેવામાં
પાછા પધાર્યા હતાં.
શ્રીનાથજીમાં આ દિવસે જાપાનની
કારીગીરી વાળી એક સુંદર પિછવાઇ પાથરવામાં આવે છે પહેલા તેની લંબાઇ ઓછી હતી ત્યારે
તે સમયે પરમ.પુજ્ય ૧૦૮ ગોસ્વામી શ્રીગોવર્ધનલાલજી મહારાજ તિલકાયત સ્વરૂપે હાજર હતા
તેમણે ઘોષણા કરી કે બીજી બાજુની એ જ ભાતવાળી પિછવાઇ જેટલું કાપડ જે કોઇ લાવશે તેને
તે તમામ ખર્ચો, બક્ષિસ અને વિશેષ સેવાનો લાભ આપવામાં આવશે. ત્યારે ગુજરાતની એક
શિક્ષકાએ આ કાર્યને પૂર્ણ કર્યુ હતું અને શ્રી તિલકાયત મહારાજે પિછવાઇ પૂર્ણ કરાવી
આ પાછળ થી આવેલા ભાગને હજુ પણ શ્રીજીબાવાની ઉત્તર બાજુએ કસુંબાછઠ્ઠને દિવસે બિછાવવા
માં આવે છે.
૪) ઠકુરાણી
ત્રીજ
નંદરાયજી ગામના વડા હોય
વ્રજજનોમાં ઠાકુરના નામે પ્રસિધ્ધ હતાં અને ઠાકુરની પત્નિ ઠકુરાણી કહેવાય શ્રાવણ વદ
ત્રીજ ના દિવસે ગોકુલનાં ગોવિંદઘાટ પર
પધાર્યા ત્યારે શ્રીયમુનાજીએ શ્રીમહાપ્રભુજીને દર્શન આપ્યાં આ દિવસ ઠકુરાણી ત્રીજ
તરીકે પ્રસિધ્ધ થયો. દર્શન બાદ ચોથે દિવસે અહી શ્રીવલ્લભાચાર્યા મહાપ્રભુજીએ
ભાગવતનું પારાયણ કર્યું અને તેજ દિવસની મધ્યરાત્રીએ પ્રભુએ
શ્રીવલ્લભાચાર્યમહાપ્રભુજીને બ્રહ્મસબંધ મંત્ર આપ્યો.
૫) જન્માષ્ટમી
મથુરાનાં કારાવાસમાં ભગવાન
વિષ્ણુએ અસૂરોનો
નાશ કરવા યાદવ રાજકુમાર વસુદેવજી અને દેવકીજી ને ત્યાં આઠમા
પુત્ર તરીકે શ્રાવણવદ અષ્ટમીની મધ્યરાત્રીએ જન્મ લીધો આ દિવસ જન્માષ્ટમી તરીકે
પ્રખ્યાત છે. પુરુષોત્તમ માસમાં જન્માષ્ટમીનો આનંદ હ્લદય ની ગાંડીતુર બનેલી
યમુનામાં હિલોળા લે છે અને પ્રત્યેક કૃષ્ણપ્રેમી અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનાં
હ્લદય ના કિનારાઓ છલકાઇ જાય છે.
૬) નંદોત્સવ
મથુરાના કારાવાસ માં જન્મ લીધો પરંતુ તેજ રાત્રીએ કંસના ભયથી વસુદેવજી પોતાના બાળ ને યમુનાપાર આવેલા ગોકુળગામમાં પોતાના મિત્ર નંદજીને ત્યાં લઇ ગયા અને નંદજીને ત્યાં પોતાનો પુત્ર સોંપી તેમની પુત્રી ને મથુરાના કારાવાસ માં લઇ આવ્યા (તેમને આશા હતી કે પુત્રી ને જોઇને કદાચ કંસનું મન ઓગળી જાય અને તેમની આ દિકરીને જીવતદાન મળી જાય) તે અંધારી રાત્રીએ યશોદાજી પ્રસવપીડા થી મુક્ત થઇ પોઢેલા હોય તેમને પુત્ર છે કે પુત્રી તે ખબર ન રહી બીજે દિવસે વહેલી સવારે નંદજીની બહેન સુનંદાએ વધામણી આપી કે ભૈયા લાલો ભયો હે, ભૈયા લાલો ભયો હૈ... અને ગોકુલ ગામમાં આ સમાચાર વાયુની જેમ ફેલાઇ ગયા કે મોટી ઉંમરે પણ તેમના અધિપતિ નંદબાબા ને ઘેર પારણું બંધાયું છે આ સાંભળી ગોકુલ અને વ્રજના તમામ આજુબાજુના ગામોમાં રહેતા ગોવાળોએ નંદબાબાને પુત્રજન્મની વધામણી આપી અને જે ઉત્સવ ઉજવ્યો તે નંદોત્સવ તરીકે મનાવવામાં આવે છે.
પુરૂષોત્તમ માસમાં અને
સામાન્ય રીતે વર્ષાંતે આવતા નંદોત્સવને સૌ વૈષ્ણવો ઉજવે છે અને તેનું કારણ એ છે કે
શ્રીવલ્લભાચાર્યા મહાપ્રભુજીની કાનીથી દરેક વૈષ્ણવો ના ઘરે બિરાજતા શ્રીઠાકુરજીને
કારણે દરેકે ઘર એક અલગ ગોકુળ છે અને પોતાના ગોકુળમાં થતો પોતાના લાલન નો જન્મદિવસ
દરેક યશોદા અને દરેક નંદ ઉજવે છે, પરંતુ પુરૂષોત્તમ માસમાં હવેલીઓ ઉજવાતો મનોરથનો
આનંદ અનોખો હોય છે.
૭) હટડી
અમાસ ના દિવસે શ્રીઠાકુરજી યમુના નાં તટે હટડી (હટડી કે
હાટડી એટલે દુકાન) માંડે છે અને તેમા સુપારી, પાન, બીડા, રેવડી, માવાના અને સાકરના
ખિલૌના, પતાસા, સુકો અને લીલો મેવો, તજ, લવિંગ, જાયફળ આદી સુકા તેજાનાં, તલ અને
રાજગરા નાં લાડું, ગુજીયા, ગજક, સખડી, અનસખડી, દૂધઘર અને મિઠાઇઓ, માખણ, મલાઇ,
વરીયાળી, ખસખસ, શીંગ વગેરે તોલી ને આપે છે વળી ચોપાટ, ઘુઘરડાં, દિપ, કુમકુમ,
હાથી, ઘોડા, ગાય વગેરે લાકડાં નાં ખિલૌનાં વગેરે પણ વેચવા માટે હોય છે. ગોપીઓ
શ્રીઠાકુરજી પાસેથી ચીજવસ્તુઓ ખરીદીને લઇ જાય છે. હટડીમાં કાચનાં બંગલાના દર્શન થાય
છે.
૮) માનસી ગંગા
બ્રહ્માજીનાં મનમાંથી વ્રજમાં
પ્રગટ થયેલ આ ગંગાને માનસી ગંગા કહે છે.અમાસ ને દિવસે હવેલીઓમાં વ્રજનાં
માનસીગંગાનો ઘાટ બનાવવામાં આવે છે અને કુંડ, પગથિયાં, હવેલીને આંગણેં અને દ્વારે
દિવડાઓ ઝગમગી ઊઠે છે. ભાવાત્મક માનસીગંગા નાં જળમાં ઘીના નાના-મોટાં દિવાઓ તરતા
મૂકવામાં આવે છે.
૯) દિપમાલિકા-ગોવર્ધનપુજા
પુરૂષોત્તમમાસની છેલ્લી અમાસે
દિવાળી તહેવાર મનાય છે, ગોબર ના ભાવાત્મક ગોવર્ધન બનાવી ને તેનું પૂજન કરાય છેં.
ગાયોને શણગારાય છે.ધૂપદીપ થી લક્ષ્મીજીનું પૂજન કરાય છેં. વ્રજમાં અને મેવાડમાં જુઆ અથવા ચોપાટ ખેલવાની પ્રથાને
કારણે હવેલીઓમાં પણ આ દિવસે ચોપાટ બિછાવવામાં આવે છેં, તેથી હવેલીઓ ચોખ્ખી અને સાફ
રખાય છે. હવેલીનાં આંગણે ગૌ શણગારીને લાવવામાં આવે છે અને કાન્હજગાઇ ઉજવવામાં આવે
છે.
૧૦) ખસખાના-ચંદનવાઘા
આ મનોરથ ઉષ્ણકાળની ભાવનાથી
મનાવવામાં આવે છે ખસના અને ચંદનનાં બંગલા બનાવી તેના પર ખૂબ પાણી છંટાય છે. ગુલાબજલ નાં ફુવારા થાય છે, જુઇ, ચમેલી, માટી, મોગરો, ગુલાબ
વગેરેનાં અત્તરનો છંટકાવ થાય છે. શ્રીજીબાવાને માટે મલયાગરચંદનનો (દક્ષિણભારતનાં
ચંદનનો) ઉપયોગ કરાયછે. આજુબાજુ સઘનકુંજ, કુંજ, નિકુંજ બનાવવામાં આવે છે અને
શ્રીઠાકુરજી ત્યાં સખીજનો સાથે બિરાજે છે.
૧૧) મહારાસનો
મનોરથ
શૃંગાર રસ અને કરૂણ રસ બંન્ને ને એક કરવા માટે રાસલીલાએ પ્રધાનરસ છે.મહારાસલીલા નો
મનોરથ વિવિધ ભાવનાથી થાય છે.ચારેબાજુ ગોપી અને વચ્ચે શ્રી ઠાકુરજી બિરાજે છે.
શ્રીશુકદેવજી કહે છે કે શુધ્ધ જીવનો બ્રહ્મ સાથેનો વિલાસ તે રાસ કહેવાય અને
શ્રીમહાપ્રભુજી કહે છે કે શ્રીગોવર્ધનનાથજીએ શ્રીમદ્ ભાગવતજીનું હ્રદય છે અને
રાસલીલા પ્રાણરૂપ છે. ગોપીજનોએ જે પ્રેમરસ શરદ પૂનમની રાત્રીએ પીધો હતો તે છે
રાસલીલા મહોત્સવ. આ મહોત્સવમાં કૃષ્ણભક્તિમાં લીન તમામ ગોપીઓને શ્રી ઠાકુરજીએ દર્શન
આપ્યા હતાં. આ મહારાસ દરમ્યાન ગોપીઓ અનેક હતી
પણ કૃષ્ણ પ્રત્યેક ગોપી સાથે રાસ રમતા
હતા. આત્મા અને
પરમાત્માના
મિલનની આ અદભૂત ઘટના ભગવન વેદ વ્યાસે ભાગવતમાં વિસ્તૃત સ્વરૃપે રજૂ
કરી છે. રાસલીલા થકી શ્રી કૃષ્ણએ એટલે
કે સ્વયં
પરમાત્માએ
આત્માના વિકારરૃપી કામ,
ક્રોધને દૂર
કર્યા હતા.પ્રભુએ આ મહારાસ કર્યો તેનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે પરમપ્રભુએ
પુષ્ટિભક્તો ને સ્વરૂપાનંદનું દાન કરી કામદેવનો ગર્વ રાસલીલામાં ઉતારી કામદેવ ઉપર વિજય મેળવ્યો હતો.
૧૨) મોરકુટીર
બરસાનાનાં ડુંગરની પાછળ
ગહેરવન આવેલું છે વર્ષાૠતુમાં અનેક વાદળો ઘેરાઇને આવે ત્યારે મેઘોનું સ્વાગત કરતાં
અનેક મોર અહીં નાચે છે તે દરમ્યાન તેમના પીછા અહીં ખરી જતા તે તમામ પીછાઓ એકઠા કરી
પ્રભુ પોતાના શ્રીઅંગ સાથે બાંધી દઇને શ્રીસ્વામિનીજી અને સખાઓને મયુર નૃત્ય કરી
આનંદીત કરે છે. ભાદરવા સુદ નોમના દિવસે અહીં મોરલીલા થાય છે.શ્રીરાસેશ્વરી રાધિકા
મોર બનેલા રસ રસેશ્વરને પોતાના હાથેથી મોતીચુરના લાડવા ખવડાવે છે. પરિક્રમા દરમ્યાન
અહીં મોરકુટીર લીલા થાય છે પુરૂષોત્તમ માસ દરમ્યાન હવેલીઓમાં મોરકુટીર મનોરથની
ઝાંખી થાય છે.
૧૩) ભોજનથાળીનો
મનોરથ
આ મનોરથમાં છાકલીલાની ભાવના
છુપાયેલી છે.પુરૂષોત્તમ માસમાં હવેલીમાં દહીં અને લીલા મેવાનો ભોગ પ્રભુને વાંસની
છાબડીઓમાં અથવા માટીની કુલડીઓમાં ધરવામાં આવે છે. વ્રજમાં ૩ જગ્યા એવી છે કે જ્યાં
પથ્થરની શીલામાં થાળી અને કટોરાના ચિન્હો જોવા મળે છે.ગૌધન ચારતાં પ્રભુ આ જગ્યાએ
ભોજન અર્થે પધાર્યા હતાં અને ગોપબાળકો છાબ કે માટીની કુલડીમાં ભોજન સજાવીના પ્રભુને
ધરતા. લીલી પરિક્રમાનાં સમયે અહીં તાબા, ચાંદી, સ્ટીલ કે કાંસાના વાટકા અથવા
કટોરાનું દાન કરવામાં આવે છે.
૧૪) શ્રીનાથજીનો
પ્રાગટ્યનો મનોરથ
સારસ્વતકલ્પમાં પ્રભુ કંસના કારાગૃહમાં પ્રગટ થયા. નંદયશોદાની ગોદમાં મોટા થયા ગોકુલની અને વ્રજની ગલીઓમાં તેમની બાળલીલા ગુલમહોરના ફૂલોની જેમ મહોરી ગઇ તેજ પ્રભુની ઉર્ધ્વભૂજાનું પ્રાગટ્ય સવંત ૧૪૬૬માં શ્રાવણ સુદ ત્રીજને રવિવારે બપોરનાં સમયે શ્રીગિરિરાજજીમાં થયું હતું પરંતુ પોતાની ગાય શોધવા ગયેલા એક વ્રજવાસીને શ્રાવણસુદ પાંચમને દિવસે તે ઉર્ધ્વભુજાનાં દર્શન થયાં. ઇન્દ્રના કોપથી ગોકુળવાસીઓને બચાવવા માટે જે હાથ ઉઠ્યો હતો તે આજ હાથ હતો તેમ જાણી વ્રજવાસીઓ તે હસ્તની પુજા કરવા લાગ્યા અને સંવત ૧૫૩૫માં ચૈત્રવદી એકાદશીના ગુરુવારે બપોરના સમયે મુખારવિંદનું પ્રાગટ્ય થયું અને તેજ દિવસે ચંપારણ્યમાં શ્રીવલ્લભાચાર્યાજીનું પ્રાગટ્ય થયું.
શ્રીનંદરાયજીને ત્યાં નવલખ ગાયો હતી તે જ કુળની એક ગાય આન્યોરના સદુપાંડે અને
માણેકચંદ પાંડેને ત્યાં હતી તે ગાય રોજ
પોતાનું દૂધ શ્રીગિરિરાજજીમાં પ્રગટ થયેલા મુખારવિંદ પર શ્રવી આવતી હતી આ ગાય દૂધ
ઓછુ આપતી હોવાથી સદુપાંડેએ તપાસ કરતા પર્વતના દેવ દેવદમનના દર્શન થયા તેમણે
જણાવ્યું કે ઇન્દ્રનો ગર્વ ઉતારનાર ઇન્દ્રદમન, કાલિયનાગ ને નાથનાર નાગદમન, દેવોના
મદનું ખંડન કરનાર અને સર્વ દેવોના દેવ એવા તેઓ દેવદમન છે શ્રીગોકુલનાથજી તેમને
વહાલમાં શ્રીનાથજી તરીકે સંબોધતા અને સમય જતાં શ્રીનાથજી નામ પુષ્ટિમાર્ગમાં વધુ
પ્રચલિત થયું. શ્રીનાથજીબાવાનો આ પ્રાગટ્ય ઉત્સવ વખતે ગાયનું દૂધ શ્રીગિરિકંદ્રામાં
મુખારવિંદ ઉપર સ્રવે છે તેવી સજાવટ થાય છે અને શ્રીનાથજીબાવાનાં પ્રાગટ્યને આપણે
જોઇ રહ્યા હોય તેવો ભાવ આવે છે. આ મનોરથનાં દર્શન કરવાથી પળભરમાં આપણે અતીતમાં
પહોંચીને એ સમયને જીવી લઇએ છીએ જયાં નાનકડા દેવદમન, વ્રજભક્તો, શ્રીવલ્લભચરણની
સુવાસથી વ્રજરજ મહેંકી રહી હતી.
૧૫) સાંજી મનોરથ
સાંજી ઉત્સવ એ વ્રજની વ્રજાંગનાંઓનો ભાવ છે. સાંજી એટલે સાંજનાં સમયે ગવાતાં ગીતો. સાંજી તે વ્રજની કુમારિકા ગોપીઓ માટે વ્રજનાં વ્રજેશ એવાં શ્રીકૃષ્ણ સાથેનાં વિવાહ નો એક ભાવ છેં. વ્રજાંગનાઓ રૂપી વૈષ્ણવો મંગળ ગીતો ગાય છે.આપણે ત્યાં બિરાજતાં આપણા પ્રભુને પ્રિય હોય તેવા વ્રજની યાદ અપાવતાં તમામ પ્રસંગોની રંગોળી બનાવવામાં આવે છેં.આ સમય દરમ્યાન હવેલીઓમાં વ્રજ રંગોળીનાં રુપમાં બોલે છે. વ્રજાંગનાંઓ વન, વનરાઇ, પનઘટ, ગાય, ગોવાળ, ગોપી, વાછરડાંઓ, પંખીઓ, તુલસીનાં વૃંદો, શ્રીયમુનાંજી નો કિનારો, માછલી, સરોવર, આંબા અને અશોકનાં પાન, હરણ, પિપળો, પોપટ, મોર, વાંદરા, રંગોળીઓ બનાવે છે.
હવેલીનાં આંગણીયે તોરણીયાં
બાંધવામાં આવે છે, દિવડાંઓની જયોત પ્રગટાવવાં માં આવે છેં. રંગોળી માં અલગ અલગ જાત
ફુલોં ની પાંદડી દ્વારાં રંગોળી પુરવામાં
આવે છે. કઠોળ, દાળ, હળદર, ચોખા, શાકભાજી, કેળ નાં થડ અને પાન, ફુલો અને અલગ અલગ જાત
ફુલો ની પાંદડીના ઉપયોગ વડે રંગોળીનાં રંગો પુરવામાં આવે છેં, આ ઉપરાંત લીલા અને
સુકા મેવાઓનો ઉપયોગ પણ કરાય છેં. આપણી હવેલીઓમાં કલાત્મક સાંજી માટે મોટા ચોરસ પાટ
પર બીબા ઓની મદદથી ચીત્રો પાડવામાં આવે છે અને ગેરુંની માટીનાં થાપા પાડવામાં આવે
છે. હવેલીનાં આંગણીયે કે જમીન ઉપર છાણ અને માટીનું લીંપણ કરીને સુંદર ચીત્રો
દોરવામાં આવે છે. સારસ્વતયુગમાં જયારે વૃષભાનકુમારી એ પોતાના હાથે ફૂલો વીણીને તેની
સુંદર સાંજી બનાવી હતી ત્યારે નંદરાજકુમાર સખીનું રૂપ લઇ બરસાના સાંજી જોવા ગયા
હતાં.
૧૬) વિવાહ ખેલ-છપ્પનભોગ
દરેક માતાની જેમ યશોદાજી ને પણ પોતાના લાલના વિવાહ કરવાની ઘણી જ હોંશ છે બરસાનાના વૃષભાનુજીની કન્યા રાધિકાને પસંદ પણ કરી છે પરંતુ માતાને ચિંતા થાય છે કે મારા કનૈયાની છાપ વ્રજમાં સારી નથી માખણચોર,ચિતચોર એવા ઉપનામ ધરાવે છે ત્યાં એને વૃષભાનુજી પોતાની લાડકવાયી કેમ કરીને આપશે.? માતા કહે છે કે લાલા તુ ચોરી કરવાનું છોડી દે તો રાધિકાગોરી સાથે તારા વિવાહ ગોઠવી દઉં બરસાનામાં રાધાજી જીદ્દે બેસેલા છે કે અમને નંદબાબાના દર્શન કરવા છે.પોતાની વહાલી લાડકી રાધાની વાત વૃષભાનજી કેવી રીતે નકારી શકે??તરતજ પોતાની લાડલીનું મન રાખવા વૃષભાનજી એ વ્રજના ચોર્યાસી કોસના વ્રજજનો ને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું, અન્ય વ્રજજનો સાથે ગોકુલથી નંદબાબા પણ પરિવાર સાથે વૃષભાનજીને ત્યાં પધાર્યા અને આ ભાવનાથી છપ્પનભોગ થાય છે.
રંગેચંગે ઉત્સવ પુરો થયો એટલે વ્રજજનો અને નંદરાયજી વગેરેને વૃષભાનજી એ વસ્ર, આભૂષણો
વગેરે ભેંટો થી સન્માનિત કરીને વિદાય કર્યા. નંદરાયજીનાં ઘરે પહોંચ્યા બાદ બરસાનાથી
વૃષભાનજીએ પોતાના પુરોહિત સાથે નંદકુંવર માટે સગાઇનું શ્રીફળ મોકલ્યું છે અને
શુભમુહુર્ત જોઇ સગાઇનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. બ્રહ્મવૈવર્તક એવી આખ્યાયિકા
છે કે બ્રહ્માજીએ સંકેતવનમાં શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ ના ગુપ્ત વિવાહ કરાવ્યાં
હતાં. લીલી પરિક્રમા ના વખતે વૈષ્ણવજનો બરસાનાથી પીરીપોખર થઇ સંકેતવન આવે છે એક
સમયે સંકેતવનમાં પ્રવેશતા સઘનવન હતું અહીં શ્રીઠાકુરજી અને શ્રીસ્વામિનીજીનો વિવાહ
થયો હોઇ મુકામ દરમ્યાન વિવાહ ખેલ નો રાસ થાય છે. બેઠકજીમાંથી વરઘોડો નીકળે છે.
મંદિરનાં ચોકમાં મંડપ અને ચોરી બંધાય છે.વિવાહ થયા બાદ બીજે દિવસે જમાઇ શ્રીકૃષ્ણ
વ્રજજનો સહીત વૃષભાનજી ને ત્યાં જમવા પધારે છે. હવેલીમાં(ભાવાત્મક)વૃષભાનજી બનેલા
વૈષ્ણવ તરફથી છપ્પનભોગ મનોરથ થાય છે.
૧૭) ચોર્યાસી સ્તંભનો મનોરથ
હહોળી પહેલા આ
ઉત્સવ ઉજવાય છે. ૮૪ કેળનો બગીચો બનાવવામાં આવે છે હોળી અને દોલોત્સવની જેમ વિવિધ
રંગો, ફૂલોની પાંદડીઓ, અબીલ, ગુલાલ, ચંદન, ચુઆ ઉછાળવામાં આવે છે અને રંગીન પાણીના
ફુવારાઓ ઉડાડવામાં આવે છે. કેળના સ્તંભો ઉપર હરીયાળા પાન અને ફૂલો બાંધવામાં આવે
છે. આપણા માર્ગમાં ૮૪ ના આંકનું ઘણું જ મહત્વ છે. તેથી વિવિધ ભાવનાને લઇને ૮૪
કેળસ્તંભ નો મંડપ બંધાય છે અને શ્રીઠાકુરજી વિવિધ ભાવના સાથે વ્રજભક્તો રૂપી
વૈષ્ણવો સાથે ફાગ ખેલે છે પુરૂષોત્તમ માસ દરમ્યાન આ તમામ ભાવના હવેલીમાં સચૈતન્ય
થાય છે ત્યારે પ્રભુનું મુખારવિંદ અને વૈષ્ણવો ના હ્રદય આનંદથી ખીલી ઉઠે છે.
·
આપણા માર્ગમાં બ્રહ્મસબંધ માટેના ગદ્યમંત્રના અક્ષરો ૮૪ છે.
·
આપણું વ્રજ ૮૪ કોસ અને ૮૪ ગામમાં ફેલાયેલું છે.
·
શ્રીમહાપ્રભુજીનાં ૮૪ મુખ્ય વૈષ્ણવ સેવકો છે.
·
૮૪લાખ ફેરા ફરતા જીવને જયારે પુષ્ટિમાર્ગમાં શ્રીવલ્લભ શરણે લે છે
ત્યારે જન્મોજન્મનો ફેરો ટળી જાય છે.
·
શ્રીમહાપ્રભુજીની આપણા માર્ગની ૮૪ બેઠકો છે.
·
શ્રીમહાપ્રભુજીના હસ્તે લખાયેલા ગ્રંથોની સંખ્યા ૮૪ છે.
·
શ્રીવિઠ્ઠલેશ પ્રભુના સેવકો ની સંખ્યા ૮૪નાં આંકથી ૩ ગણા ૨૫૨ છે.
·
શ્રી હરિરાય મહાપ્રભુજીનાં વચનામૃતની સંખ્યા પણ ૮૪ છે.
હોળી બાદ જે રીતે વ્રજમાં જુદા જુદા દિવસે,જુદાજુદા સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. તે જ રીતે અધિકમાસમાં હવેલીઓમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. બ્રહ્મવૈવર્તકપુરાણમાં એવી કથા છે કે એક સમયે નાનકડાં બાલ કૃષ્ણ સુવાનું નામ જ લેતા નથી રોહિણી અને યશોદા બન્ને માતાઓનાં અથાગ પ્રયત્ન બાદ પણ લાંબા સમય સુધી શ્રી ઠાકુરજી સુવાનું નામ જ ન લે આથી આખરે માતા યશોદાએ સર્વ સખીઓ ને બોલાવી ને કહ્યું કે નંદાલયની બહાર ઉદ્યાનમાં તમે બધા વૃક્ષોની ડાળી પર દોલની એવી સુંદર રચના કરો કે તેમાં લાલન રમતાં રમતાં થાકી જાય અને ત્યારબાદ થાકીને સૂઇ જાય આ સાંભળી સર્વે સખીજનો અતિ આનંદીત થઇ ગયા કારણ કે તેમને આજે લાલન ને નજદીક થી રમાડવાની સુંદર તક મળી, તેથી તેમણે દોરડાઓની મદદથી વિશિષ્ટ પ્રકારનાં ઝૂલાઓની રચના કરી અને તે દોરડાઓ પર વિવિધ ફૂલપાન થી ગૂંથણી કરી પછી તેમા લાલન ને ઝૂલાવ્યાં ત્યારથી તે આજ સુધી હજુ પણ વૃક્ષો ઉપર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે.
શ્રીવલ્લભકુલ બાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગોની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે (દોલ શબ્દનુ સમયાંતરે અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) દોલમાં બે પ્રકારની ભાવના રહેલી છે. એક તો નંદાલયમાં માતા યશોદાજી વાત્સલ્યભરી મમતાથી શ્રીઠાકોરજીને ઝૂલાવે છે અને બીજી બાજુ શ્રીઠાકોરજીને શ્રીસ્વામિનીજીની સાથે શ્રીગિરિરાજજીની તળેટીમાં આવેલી સઘન નિકુંજમાં સખીજનો ઝૂલાવે છે. શ્રીહરિરાય મહાપ્રભુ જણાવે છે કે અહીં એક રહસ્યલીલા છે કે તળેટીમાં સખીજનો સાથે ખુબ હોરી ખેલ રમેલા શ્રીઠાકોરજી દેહાનુસંધાન ભૂલી ગયા જયારે સવારના સમયે માતા યશોદાજીએ તેમને નંદાલયમાં જગાડયાં ત્યારે શ્રીઠાકોરજી માતાને પૂછે છે કે મા દોલહોરીત્સવ આવ્યો કે નહીં?? ત્યારે માતા વિચારે છે કે મારો લાલો હોરીત્સવની રાહ જોતો જોતો બાવરો થયો છે તેથી આ વખતે હોરીઉત્સવમાં લાલાને એટલો ખેલવવો છે કે તેનું મન ભરાઇ જાય. માતાએ સર્વે સખીજનોને બોલાવીને કહ્યું કે ઉદ્યાનમાં દોલની સુંદર રચના કરો અને માતાની વાત સાભળીને સર્વે સખીઓએ કદમની ઉંચી ડાળીઓ પર દોલની મદદથી સુંદર ઝૂલો બનાવ્યો અને શ્રીઠાકોરજીને તેમાં પધરાવ્યા અને ઝૂલાવવા લાગ્યા ત્યારે માતા યશોદા કહે કે મારા લાલનની સાથે તેની વહુ પણ હોય તો મારો લાલન કેટલો સુંદર લાગે આથી વૃષભાનદુલારીને પણ તેની સાથે ઝૂલા પર ઝૂલાવો આ સાંભળી સર્વે સખીજનો અત્યંત આનંદીત થઇ ગયા અને માતાની આજ્ઞા પ્રમાણે યુગલસ્વરૂપ ઝૂલામાં બિરાજયા અને સર્વે સખીજનો એ તેમને ઝૂલાવ્યાં અને માતા યશોદાએ નવયુગલસ્વરૂપના બલૈયા લીધાં.
દોલોત્સવની ભાવના ગમે તે ઋતુમાં થઇ શકે છે. હોળીના દિવસો દરમ્યાન કરેલા દોલોત્સવમાં રંગ ઉડાડવામાં આવે છે અને બાકીની ઋતુમાં અને અધિકમાસ દરમ્યાન કરેલા દોલોત્સવમાં વિવિધ ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે અને દરેક ઋતુ પ્રમાણે વિધ વિધ પ્રકારની સામગ્રી, સજાવટ, સંગીત થાય છે.
૧૯) હિંડોળા-ઝૂલા-પલના (પારણું)
હિંડોળા, ઝૂલા અને પલના(પારણું)ઓનો ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર પરંતુ હિંડોળા અને ઝૂલાનો ઉત્સવ એટલે વૈષ્ણવજનો માટે મમતાની દોરીએ પોતાના લાડકવાયાને ઝૂલાવવાનો ઉત્સવ અથવા એમ કહો કે હિંડોળા અને ઝૂલાઓનો ઉત્સવ પ્રત્યેક વૈષ્ણવ હ્લદયમાં માતૃત્વ નો સંચાર કરી પ્રત્યેક ઘરનાં એકેએક યશોદા અને નંદને પોતાના લાડકવાયાને હૈયાની દોરીએ હિંચોળવાનો અને પોતાના લાલનનું સામીપ્ય લેલેવાનો સુંદર અવસર આપે છે.
અષાઢ, શ્રાવણમાં ઝરમર વરસતા અંબરના ચંદરવા નીચે, ધરાદેવી નવપલ્લવિત, નવકુસુમિત થઇ હરિયાળી ચુંદડી ધારણ કરે છે.વૃંદાવનની સઘનકુંજ, નિકુંજો, વન, ઉપવનોમાં અને ગિરિકંદ્રામાં મયૂરો મત્ત થઈ નૃત્ય કરે છે. મોર, બપૈયા, કોકિલ કુંજન કરે છે, મેઘ મલ્હાર ગાય છે અને દામિની મૃદંગ વગાડે છે. ઇન્દ્રનું ધનુષ્ય સપ્ત રંગોથી ખીલી ઉઠે છે. મંદ, શીતળ, સુંગધીત વાયુ વહ્યાં કરે છે, ભીની માટી સુંગધથી નાહી ઊઠે છે, યમુનાજળ ખળ ખળ કરતું હસ્યાં કરે છે, ત્યારે નટેશ્વર રસેશ્વર શ્રીરાસબિહારીજી વૃષભાનનંદિની સાથે સુરંગ મોતીને હિંડોળે ઝૂલે છે...
ડોળાના વિવિધ મનોરથો થાય છે અને વૈષ્ણવો નિતનવા પદાર્થોથી ભક્તિભાવપૂર્વક હિંડોળાને શણગારે છે અને રેશમની દોરીથી શ્રી ઠાકુરજીને ઝુલાવી ભાવવિભોર બની જાય છે. ચાંદીનો, મોતીનો, ફળ-ફૂલનો, શાકભાજીનો, તેજાનાનો, રંગીન કાચનો, સોનેરી-રૂપેરી કાપડનો, લહેરિયા-બાંધણીનો, મલમલ-મખમલનો, ભરતકામથી ગુંથેલો, કેળ-નાગરવેલના પાનનો, ગુલાબ-મોગરો-જુઇ આદી ફૂલો નો, કમળ-કદલીનો, શંખ-છીપલાનો, મોરપીંછનાં અને હેમને હિંડોળે શ્રીઠાકુરજી ઝૂલે છે અને વ્રજભક્તો ઝૂલાવે છે અને આ ઉપરાંત વૃક્ષોની ડાળી પર દોલ વડે બાંધેલા વિવિધ પાન-ફૂલો-ને વૃક્ષોની ડાળી વડે ગુંથેલા વિધ વિધ પ્રકારના ઝૂલાઓનો પણ સમાવેશ થાય છે અને આ ઉપરાંત અવનવા પારણાઓનો પણ ઉપયોગ બાલસ્વરૂપને ઝૂલાવવાં માટે કરાય છે. પુરુષોત્તમ માસના હિંડોળા, ઝૂલા અને પલનાનાં દર્શન દરમ્યાન વૈષ્ણવો શ્રી ઠાકોરજીને પલનામાં બિરાજીત કરે છે અને શ્રી ઠાકુરજી પણ મંદ મંદ હાસ્ય કરી પાલનામાં બિરાજમાન થાય છે વૈષ્ણવો ત્યારે મૃદંગ પખવાજ, ઝાંઝ, મંજીરા, તાલબદ્ધ વગાડીને પલનાનાં પદો ગાઇને ઉત્સવ કરે છે.
સંધ્યાના સમયમાં સંધ્યા આરતી ઉતારવામાંઆવે છે જેથી લાલન ને નજર ન લાગે આવા હિંડોળા-ઝૂલા અને પલનાનાં ઉત્સવમાંથી અનેક પ્રકારનો ઉપદેશ-પ્રેરણા સાંપડે છે.હિંડોળા અને ઝૂલા જેમ ઉપર નીચે જાય તેમ જીવન પણ ઉપર નીચે થાય છે એટલે કે જીવનમાં પણ ચડતી-પડતી આવવાની અને જવાની.
હિંડોળા, ઝૂલા અને પારણા વચ્ચે નો ભેદ- લાકડાનાં અને ધાતુના બનાવેલા હોય તે હિંડોળા, વૃક્ષોની વચ્ચે કુદરતી અથવા વૃક્ષોની ડાળીઓમાં ફકત દોરડાઓની મદદથી બાંધવામાં આવ્યો હોય તે ઝૂલો અને લાકડાનું બનેલું નાના બાળકને જેમાં હિંચાવવામાં આવે છે તે ઘોડિયું અથવા પારણું જેને આપણે પલના તરીકે પણ ઓળખીયે છીએ.
૨૦) પનઘટ
“સુંદર છે સરોવરની પાળ, ઝૂલે છે વડલાની ડાળ, છલકે છે ગાગરું ગામની વાટ, ને હસે છે પનઘટના ઘાટ” શ્રીયમુનાજીના પનઘટ પર કયાંક કોઇ ગોપીની વહેતી આંખો ને કયાંક ખીલ ખીલ કરી ઉઠતું હાસ્ય હતુ, પનિહારીઓના પગનાં ખનકતાં કડલા,નુપુરનો રણકાર અને હાથોના કંકણ-કિંકણીના ખનકાર હતો, ને રોજ સખીઓની અલકમલકની થતી વાતો ને પનઘટ પોતાના મનમાં સમાવતો જાય છે. શ્રીયમુનાજીના પનઘટનાં કોઇક ખૂણે ગુપચુપ સંકેતમાં થતી વાતોના વાયરા ને વાયુ વેગ દઇ રહ્યોં છે. નટખટ કનૈયો ચંદ્રલેખા, ધન્યા, મેઘમાલા, ચંદ્રનના, ચંદ્રાવી, હર્ષિની, કમલિની, કુમુદિનિ, સોનજુહી વગેરે પાણી ભરવા આવેલી સખીઓની ઠિઠોલી કરતો જાય છે અને તેમની ઇંઢોણીને ચોરતો જાય છે સાથે તેમની ભરેલી ગાગરડીઓને ઊંધી કરતો જાય છે.
વૈષ્ણવો પુરૂષોત્તમ માસ દરમ્યાન પનઘટના મનોરથના દર્શનમાં તમામએ ક્ષણોમાં જીવી લઇએ છીએ જયાં એક સમયે પનિહારીઓ માતા યશોદાને સાચી ખોટી ફરિયાદો કરી રહી છે, મર્કટ સાથે મર્કટ બનેલા કનૈયાનું સુમધુરુ હાસ્ય સંભળાઇ રહ્યું છે ને, સખીઓ બનીને ગગરીઓ એકબીજા સાથે વાત કરી રહેલી છે. વૃક્ષની ઉંચી ડાળીએ એકબીજાની સાથે કનૈયાએ ઇંઢોણીઓ બાંધી રાખેલી છે. ગોપસખાઓ સાથે કનૈયાએ કરેલી દાણ લીલાઓ અને રસેશ્વરી રાધાના ઉપાલંભો મીઠા લાગી રહ્યાં છે. કદંબની ડાળી પર મહેંકી રહેલા ફૂલોની સુવાસ, ને વહી રહેલા મીઠી વાંસળીના મધુર સુરોને પનઘટ વહાવી રહ્યું છે અને પનઘટના કિનારે વૃક્ષોની આજુબાજુ થયેલી આંખમિચોલીના ખેલમાં પનઘટ પણ કનૈયાની સાથે ખેલી રહ્યું છે.
આમ તો યમુનાના પનઘટ સાથે વ્રજની ઘણી બધી યાદો જોડાયેલી છે પરંતુ ગોપીઓ જે રીતે પનઘટ સાથે જોડાયેલી છે તે જ રીતે પનઘટ પણ ગોપીઓ સાથે જોડાયેલો છે કનૈયાનાં બધા જ તોફાનોનો,ને તેનાં અવનવા અદભૂત ખેલનો એકમાત્ર મૂક સાક્ષી શ્રીયમુનાજીનો પનઘટ જ છે. જયારે શ્રીઠાકુરજી મથુરા પધાર્યા ત્યારે સર્વે એ જ ગોપીઓ, એ જ નિસર્ગ અને એ જ વ્રજવાસીઓની મૂક વેદનાનો પણ એકમાત્ર સાક્ષી પનઘટ છે. “કયારેક પનઘટને જો વાચા આવી જાય તો તે કહેશે કે મૈયા-બાબાને સર્વે વ્રજવાસીઓની વ્યથા સાથે રાતી થયેલી રડતી આંખોને તો સૌએ ભાળી પણ રડતાં રડતાં હું થયો પાણી પાણી તેમ છતાં મારા મનની વાત સૌથી અજાણી અને સાચું જ છે ને શ્રીયમુનાજીના પનઘટનાં એ પાણીમાં રડતી રાધાના પણ ખારા આસું પણ ભળ્યાજ હશેને...?? બસ આમ જ વ્રજનારી અને વ્રજનિશ ની કેટલીયે વાતોને પનઘટ યુગોથી પોતાના હ્લદયમાં સંતાડી રહ્યું છે ને પુરૂષોત્તમમાસના પનઘટના મનોરથનાં દર્શન દરમ્યાન આપણે પણ વ્રજવાસી બનીને વ્રજ અને વ્રજલીલાના મૂક સાક્ષી બની જઇએ છીએ.
શૃંગાર સન્મુખનું પદ
રચનાઃ શ્રીકૃષ્ણદાસજી
રારાગઃ આસાવરી
ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી,
બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧)
મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ,
‘કૃષ્ણદાસ’
ધન્ય
ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨)
ભાવાર્થઃ
*પોતાનો થયેલો અનુભવ આ વ્રજાંગના રાધિકા કહી રહી છે કે તે જયારે યમુનાજીના પનઘટથી યમુનાજલ
ભરીને આવતી હતી, ત્યારે માર્ગમાં મને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. હે સખી, હું કૃષ્ણકનૈયાનાં દર્શન કરતાં જ ત્યાંજ અટકી ગઈ. કૃષ્ણકનૈયાનાં દર્શન મને થતાં ની સાથે જ કૃષ્ણદર્શનનું એવું વ્યસન લાગી ગયું કે મસ્તકે મટુકી મૂકીને હું વારંવાર યમુનાજલ લેવા માટે પનઘટ પર જવા લાગી.
જયારે ત્યાં મને (શ્રીયમુનાજીના પનઘટ પર) શ્રીમદનમોહનલાલનાં મને
જયારે દર્શન થતાં,
ત્યારે તેમના રૂપસુધાસાગરનું પાન હું ગટ-ગટ કરતી. કૃષ્ણદાસજી કહે છે,
આવાં શ્રીરાધિકાજીને ધન્ય છે,
જેમણે પ્રભુ સાથેના પ્રેમને લઈને
દુનિયાની સર્વ
લલજ્જા-શરમ છોડી
દીધી છે.
૨૧) છાકલીલા
વ્રજનાં કુમુદવન, મધુવન, શ્યામઢાંક અને શાન્તનકુંડ પર શ્રીઠાકોરજી સખાઓ સાથે ગોચારણ માટે પધારતા.બપોરના સમયે સખીઓ શ્રીઠાકુરજી માટે અતિ પ્રેમથી દહીં, લીલા મેવા અને અન્ય સામગ્રીની છાક લઇને આવતી અને તે સખીઓ છાક વાંસની છાબડીઓમાં અથવા માટીની કુલડીઓમાં ધરતી અને શ્રીઠાકોરજી પોતાના સખાઓ સાથે વહેંચીને આરોગતા. શાન્તનકુંડ પર છાકલીલાની ભાવનામાં સતવાનો ભોગ ધરાવવામાં આવે છે. લીલી પરિક્રમા દરમ્યાન અહીં ગૌચારણ લીલા અને છાકલીલા રાસ થાય છે.
૨૨) ગૌચારણ લીલા
“ગો" એટલે ગાય અને "પાલ" એટલે પાળનાર અથવા રખેવાળ. જે ગાયોને પાળે છે તે ગોપાલ
આમ તો આ નાનકડાં ચરણ આ પહેલા ઘણીવાર વૃંદાવનમાં આવી ચુક્યા છે પણ આજનો દિવસ કંઇક વિશેષ હતો આજે વિવિધ પંખીઓનો કલરવ થતો હતો, હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ હર્ષિત ધ્વનિ કરી રહ્યાં હતાં. પલ્લવિત અને પુષ્પિત બનેલા વૃક્ષો આજે વ્રજનાં સૌથી નાનકડાં ગૌપ્રતિપાલના દર્શન કરી રહ્યાં હતાં.વૃક્ષોના પર્ણોએ હાથ જોડી ને પોતાના સ્વામિનું સ્વાગત કર્યુ, ને ડાળીઓ પોતાના નાનકડાં પ્રભુના ચરણોની રજને લઇ રહી હતી. કોઇ વૃક્ષો પોતાના પુષ્પો તો કોઇ વૃક્ષો પોતાના ફળો ને પ્રભુચરણમાં સમર્પિત કરી રહ્યાં હતાં, અને આજે ગૌચારણનાં પ્રથમ દિવસે પ્રકૃતિ પાસેથી તેનો પ્રથમ ગુણ “બીજાઓને માટે પલ્લવિત,પુષ્પિત અને રસદાયક બનવું એ કર્તવ્યને અને એજ ગુણને માનવે અપનાવવું જોઇએ આ વાત આજે આ નાનકડાં દેખાતો બાળક આત્મસાત કરી રહ્યોં છે.
વૃંદાવનની ખિલેલી શોભા ને કુતુહલથી જોતા જોતા અને વૃક્ષમાંથી ચળાઇને આવતા દરેક રવિકિરણો ને જોઇને નાનકડા નંદલાલને જાણે બાબા નંદ પ્રત્યેક કિરણો સાથે કહી રહ્યાં છે કે કે લાલા આજથી તું ગોવાળીયો થયો આપણી ગાયોને ચરાવીને તેને પુષ્ટ કરજે વનમાં લીલુ લીલુ ઘાસ ખવડાવજે, તેને ઝરણાં નું મીઠું જળ પિવડાવજે અને નદીના વહેતા ચોખ્ખા પ્રવાહ થી તેને સ્નાન કરાવજે, તેનાં અંગ પર માખી અને કે અન્ય પરેશાન કરતા જીવજંતુઓને દુર કરજે. બાબાની વાતો ને ધ્યાનમાં રાખતા સૌ સખાઓ સાથે નંદલાલ પોતાના ગૌધન સાથે ગૌચારણ માટે નીકળ્યાં છે અને ગૌ માટે છ વર્ષના નાનકડા કૃષ્ણ કનૈયા ગોપાલ બન્યાં છે.કાર્તિક સુદ અષ્ટમીનો દિવસ નંદબાબાનાં આર્શીવાદ સાથે હમેંશાને માટે વૃંદાવનના ઇતિહાસમાં કેદ થઇ ગયો. અધિકમાસના મનોરથો દરમ્યાન આપણે પણ ગૌ બનીને ગોપાલનાં શરણે જઇએ છીએ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય અહીં ગૌ નો અર્થ આપણી ઇન્દ્રિયો તરીકે કરે છે આપણી પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું આપણું મન તે ઇન્દ્રિયો રૂપી ગૌ ને શ્રીઠાકોરજી ચરાવે છે અને આપણી ઇન્દ્રિયો રૂપી ગૌ ને જો વિવિધ સ્વરૂપે શ્રી શામળીયાસુંદરના દર્શન થઇ જાય તો ખરા અર્થમાં શ્યામસુંદરે આપણી ગાયો ને ચરાવી છે તેમ કહી શકાય.
૨૩) આંખમિચોલી
એક સખો આંખ બંધ કરે અને બીજા સખાઓ છુપાઇ જાય વ્રજના પાંચ પર્વતોમાં જેની ગણતરી થાય છે તે ચરણપહાડી નામના પર્વત ઉપર શ્રીઠાકુરજીનાં ચરણચિન્હોનાં દર્શન થાય છે ત્યાં લુકલુક કુંડ અને લુકલુક કંદરામાં શ્રી ઠાકુરજી ગોપસખાઓ સાથે આંખમિચોલીનો ખેલ ખેલતા.
૨૪) ફૂલઘર
શ્યામસખા ઉધ્ધવજી નારદકુંડમાં સ્નાનકરી રહ્યાં હતાં ત્યારે તેમની નજર સરોવરમાં ઉગેલા કમળો પર ગઇ અને જેટલા કમળો હતા તેના પર તેટલા જ મધુસુદનો (ભ્રમરો) ગુંજારવ કરી રહ્યાં હતાં. સામાન્ય રીતે સરોવરમાં અસંખ્ય કમળો પર અસંખ્ય ભ્રમરો પણ જોવા મળે પણ અહીં આશ્ચર્યજનક વાત એ હતી કે સરોવરનાં તમામ કમળો ગોપીસ્વરૂપે હતાં, અને તે કમળો પર ગુંજારવ કરી રહેલા એ મધુસુદન (ભ્રમર) માં તેમને શ્રીમધુસુદનજી (શ્રી ઠાકુરજીનું એક નામ) ના દર્શન થયાં.
વ્રજનાં કુસુમવન ને યુગલસ્વરૂપનાં શૃંગાર માટેનું ફૂલઘર માનવામાં આવે છે. અહીં સખીઓ ફૂલમંડળીનો મનોરથ કરીને યુગલસ્વરૂપને પ્રસન્ન કરતી. પીળા રંગના પુષ્પો શ્રી રાધેરાણીની ભાવના, સફેદ ફૂલ શ્રી ચંદ્રાવલીજીની ભાવના, લાલ ફુલ શ્રી લલિતાજીની ભાવના, શ્યામ ફૂલ શ્રી ગિરિરાજજીની ભાવના, ઘનશ્યામ ફૂલ શ્રી યમુનાજીની ભાવના,અને બીજા રંગના પુષ્પો તે વ્રજભકતોની ભાવનાનું સ્વરૂપ છે.
૨૫) નૌકા વિહાર-અષાઢ-સાવન
વર્ષા ઋતુમાં યમુનાનદી માં આવેલું નવું નીર શુધ્ધ થઈ જાય
તેવા આશયથી વ્રજભક્તો શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડી નૌકા વિહાર
કરાવતા ઉત્સવને
નાવ મનોરથ તરીકે ઓળખવામાં આવે છે.
યમુનાજીના પ્રવાહમાં શ્રી ઠાકુરજી નાવ લઇને નાવિક બનીને ઊભા છે. નાવ બનેલી છે લાકડાની
પણ નાવને હંસનો ચહેરો આપવામાં આવ્યો છે નાવ ઉપર ખસની રાવટીઓ બાંધેલી છે અને વિવિધ
ફૂલોની કુંજો બનાવવામાં આવેલી છે. વર્ષાની ઋતુનો પણ ઉષ્ણ દિવસ હોવાથી શ્રી ઠાકુરજીએ
સખીઓ સાથે નૌકા વિહાર પર જવા નીકળ્યાં છે. મલ્લિકા, કોયલ, ચંપકલતા, રાતરાણીના
ફૂલોથી મહેંકી રહેલો યમુનાજીનો પનઘટ અગણિત સખીઓના મધુર હાસ્યથી શોભી રહ્યોં છે.
શ્રી યમુના મહારાણી પોતાના પાલવ તણાં પ્રવાહમાં પોતાના પ્રાણપ્રેષ્ઠ ને સખીઓ સાથે
નાવમાં બિરાજેલા જોઇ અત્યંત આનંદીત થઇ રહ્યાં છે ને તે આનંદ ને કારણે તેમના અંતરના તરંગો ઉછળી રહ્યાં છે અને
તે તરંગો નાવને જળમાં ડોલાવી રહ્યાં છે. નાવનાં નાવિક સાથે હોવાથી સખીઓ પણ મુક્ત
મને નૌકાવિહારનો આનંદ લઇ રહી છે. કયારેક યમુનાજળના શીતલ સ્પર્શથી રોમાંચિત થયેલા
સમીરને કારણે તરંગોમાં આવતા ઉછાળાથી નાવ હાલકડોલક થાય ત્યારે સખીઓ નાવિકની પાસે
જઇને, નાવિક બનેલા પ્રાણપ્રેષ્ઠને સ્પર્શીને પોતાના મનનાં ડરને દુર કરવાની કોશીષ
કરે છે.
હવેલીનાં પરિસરમાં બનાવવામાં આવેલ ભાવાત્મક કૂંડનાં યમયમુનાજળના તુષારબિંદુઓથી આર્દ્ર બનેલો શીતલ પવન મંદ મંદ હાસ્ય આપતા પ્રભુ અને વ્રજજનો નાં પ્રસ્વેદને દુર કરી રહ્યાં છે અને નૌકા વિહાર કરી રહેલા પ્રભુ શ્રી નિકુંજનાયકે શ્રીઅંગ પર ધારણ કરેલા મલ્લિકાની કુસુમિત કળીઓ હવેલીઓ રૂપી પુષ્પનિકુંજ સાથે મળીને મીઠી સુવાસ પ્રસરાવે છે. વ્રજજનો રૂપી વૈષ્ણવો શ્રી ઠાકોરજીને નૌકામાં બેસાડીને નૌકા વિહાર કરાવે છે.
૨૬) વ્રજ કમળની ભાવના
આપણું વ્રજ એ કમલાકારમાં છે તેથી આ ઉત્સવમાં શ્રી ઠાકુરજી કમળનાં સિંહાસન પર બિરાજે છે આ કમળ ત્રિદલીય
એટલે કે ત્રણ સ્તરનું છે, જેનાપ્રથમ દળમાંઆઠ, બીજાદળમાં સોળ અને ત્રીજા દળમાં
બત્રીસ પંખુડીયો હોય છે આ ત્રણેય દળની કુલ મળીને છપ્પન પંખુડીયો હોય છે અને એ દરેક
પંખુડીયોની ઉપર વ્રજના તમામ સ્થળોના નામ લખવામાં આવે છે આ સ્થળોની ઉપર એકએક સખીની
નિકુંજો બનેલી હોય તે ભાવથી તેમાં પ્રભુ ને પ્રિય હોય તેવી વિવિધ પ્રકારની સામગ્રીઓ
ધરવામાં આવે છે. સામાન્યત: વ્રજકમળ કાપડનાં, કાષ્ઠનાં, ધાતુના બને છે પરંતુ ઘણા લોકો
હેમ અને ચાંદીના પણ વ્રજકમળ બનાવે છે. હવે લોકો મશીનથી ગોળ ગોળ ફરતા વ્રજકમળ બનાવે
છે જેનાથી ચારેબાજુથી દર્શાનાર્થીઓ દર્શન કરી શકે છે. અધિકમાસમાં વ્રજયાત્રાની
ભાવનાથી વ્રજકમળનો મનોરથ થાય છે.
૨૭) ચીરહરણ લીલા
શ્રી ઠાકુરજીના વિવિધ મનોરથોમાં ચીરહરણલીલાનો મનોરથ પણ ઉજવાય
છે.હેમંત ઋતુના માસમા વ્રજકુમારિકાઓ યમુનાકિનારે જઇ વસ્ત્રાલંકાર કાઢી યમુનાજીમાં
ન્હાવા ઉતરી છે ત્યારે શ્રી ઠાકુરજી વ્રજકુમારિકાઓના વસ્ત્રાલંકાર લઈ કદંબના વૃક્ષ
ઉપર ચઢી ગયા. ગોપીજનોનાં વસ્ત્રાલંકાર કદંબની ડાળીએ ઝૂલેછે અને નીચે વ્રજકુમારિકાઓ
શ્રીઠાકુરજીને પોતાના વસ્ત્રાલંકાર પાછા આપવા વિનંતી કરે છે ત્યારે શ્રી ઠાકુરજી
કહે છે કે તમારા નિર્વસ્ત્ર થઇને ન્હાવાનો અપરાધ હું દુર કરું છું પણ તમારા મનોરથ
હું જાણતો હોવાથી તમારા મને પતિ તરીકે મેળવવાના સંકલ્પને હું પુર્ણ કરીશ પરંતુ આ
માટે તમે કાત્યાયાની રૂપ શ્રી યમુનાજીનું પુજન કરી તેમની પ્રસન્નતા મેળવો અને
વ્રજકુમારિકાઓએ શ્રીઠાકુરજીનાં કહ્યાંથી કાત્યાયાની પુજન કર્યું અને પ્રભુએ તેમના
મનોરથો પૂર્ણ કર્યા. આ મનોરથના દર્શન કરનાર વૈષ્ણવોના અહંકાર, મદ, લોભ ને શ્રી
ઠાકોરજી હરી લે છે અને પ્રભુમિલનના મનોરથને પૂર્ણ કરે છે. અધિકમાસમાં પણ આ મનોરથના
સુંદર દર્શન થાય છે.
૨૮) કાત્યાયાની પુજન, ગણગોર,ઉત્પત્તિ એકાદશી
આપણે ત્યાં ગોર્યો-ગૌરીપુજન, નવરાત્રિ વગેરે તહેવારોમાં ઉત્સાહથી, સકામફળની આશા સાથે દેવીપૂજન-ગરબા ઇત્યાદિ કરવામાં આવે છે પરંતુ તે અન્યાશ્રય છે અને તે અન્યાશ્રય ન થાય તે માટે શશશ્રી યમુનાજીના પૂજન અને સેવનનો પ્રકાર કાત્યાયાની પૂજન રૂપે બતાવવામાં આવ્યો છે અને શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગમાં ગૌરીદેવીરૂપ હોવાથી કાત્યાયાની પૂજન ને ગણગૌરપૂજન પણ કહેવામાંઆવે છે. આ વ્રત દરમ્યાન શ્રી યમુનાજીની રેણુંથી કાત્યાયાની દેવીની (યમુનાજી) પ્રતિમાની પ્રથમ ઉત્પત્તિ કરી હતી તેથી આ દિવસ ઉત્પત્તિ એકાદશીના નામેથી પણ ઓળખાય છે. કુમારીકા ગૌરી કૃપાથી કુમારિકા ગોપીજનો ને અલૌકિક પતિ સ્વરૂપે શ્રી ઠાકુરજી મળ્યા હતાં. અધિકમાસમાં આ વ્રત દરમ્યાન શ્રી યમુનાજીના ભાવથી પનઘટ, નાવવિહાર, જળવિહાર આદી મનોરથો શ્રી ઠાકુરજીને અંગીકાર કરાવવામાં આવે છે.
૨૯) અક્ષય તૃતીયા
આ દિવસથી શ્રી ઠાકુરજીને ચંદન સમર્પવામાં આવે છે. આધિદૈવિક ચંદનએ શ્રી સ્વામિનીજીના ભાવથી સમર્પાય છે. ઉષ્ણ ઋતુમાં વ્રજના લતા પતા, વનરાઇ, કુંજ નિકુંજનાં વૃક્ષો, યુગલ સ્વરૂપ ના શ્રમને દુર કરવા માટે ચંદન સૌરભ નો અભિષેક કરે છે. ભૌતિક રૂપે ચંદનને શીલા પર ગુલાબજળ સાથે લસોટીને તેની ગોળીઓ બનાવીને શ્રી પ્રભુના શ્રીઅંગ પર લગાવાય છે. આ ઉપરંત ફૂલોમાંથી બનાવેલા શૃંગાર, કનક ટિપારો શ્રી પ્રભુને ધારણ કરાવાય છે.
૩૦) શ્રીનાથજીનો પાટોત્સવ
પાટ એટલે પપાટલો અથવા આસન તેના પર પ્રતિષ્ઠા એટલે બિરાજમાન કરવા. વ્રજમાંપુરણમલ્લ ક્ષત્રિય દ્વારા બનાવેલા મંદિરમાં જયારે શ્રીનાથજીબાવા ને પ્રથમવાર આચાર્યશ્રી એ વૈશાખ સુદ ત્રીજના દિવસે પધરાવ્યાં.તે દિવસને સિધ્ધાંત પ્રમાણે આઠેય નિધિ સ્વરૂપોના પાટોત્સવ દરેક ઘરની રીતે મનાય છે આ આઠેય શ્રી ઠાકુરજીના સ્વરૂપો હોવા છતાં દરેક ઘરની રીત એકબીજાથી જુદી પડે છે. અધિકમાસ માં શ્રીનાથજીબાવાનો પાટોત્સવ કરી આ પ્રસંગની યાદ કરાય છે.
૩૧) પવિત્રા એકાદશી
પવિત્રા અર્પણ કરવાની ભાવના આદીકાળથી ચાલીઆવે છે સત્યયુગમાં પવિત્રા મણીમય, ત્રેતામાં સુવર્ણનાં, દ્વાપરમાં રેશમના અને કલિયુગમાં સુતરના ધરાવાય છે. વેણુગીતના એક શ્લોક પ્રમાણે પવિત્રામાં તામસનાં, રાજસના, સાત્વિકના, શ્રુતિરૂપાના, અનન્યપૂર્વાના,ઋષિરૂપા, અને નિર્ગુણના રંગની ભાવના આવે છે. પવિત્રા એકાદશીના દિવસે પ્રભુ ભક્તોના વિવિધ ભાવનારૂપી પવિત્રા સ્વીકારીને ભક્તોને ભક્તિનું દાન કરે છે. તે દિવસે પ્રભુની શયનશથ્યામાં અને હિંડોળાની ઝૂલમાં પણ પવિત્રા ધરાવે છે વૈષ્ણવોની પવિત્રામાં ૧૦૮ તારની અને ૧૦૮ ગાંઠની ભાવના છે. શ્રાવણ સુદ એકાદશીના દિવસે મધ્યરાત્રિએપરમપ્રભુને શ્રીઆચાર્યાજીને જયારે બ્રહ્મસંબંધ દ્વારા દૈવીજીવોને શરણે લેવાની આજ્ઞા કરી ત્યારે શ્રી વલ્લભાચાર્યાજીએ બધાં જીવો તરફથી સૂતરનું પવિત્રા ધરાવ્યું હતું તેથી પરંતુ અધિકમાસમાં આ દિવસની યાદમાં પરમ પ્રભુ શ્રી ઠાકોરજીને પવિત્રા ધરાવાય છે.
૩૨) પવિત્રા બારસ
શ્રાવણ સુદ એકાદશીના દિવસે મધ્યરાત્રિએ પરમપ્રભુને શ્રીઆચાર્યાજીએ બધો વૃતાંત કહ્યો તેથી શ્રાવણ સુદ બારસે દામોદર હરસાનીને બધો વૃતાંત શ્રી દામોદરદાસજીને કહી સંભળાવ્યો અને તેમને બ્રહ્મસંબધ આપ્યો આથી બીજે દિવસે બારસને દિવસે દામોદરદાસજીએ શ્રીગુરૂચરણને પવિત્રા ધરાવ્યું અને તેજ ભાવનાથી બારસને દિવસે વૈષ્ણવોમાં પોતાના ગુરુને પવિત્રા ધરાવવાની પ્રથા છે, પરંતુ અધિકમાસમાં એકાદશી અને દ્વાદશી એમ બન્ને દિવસે શ્રીઠાકોરજીને પવિત્રા ધરાવવામાં આવે છે.
૩૩) છપ્પન ભોગ
છપ્પનભોગનું સ્વરૂપએ પુષ્ટિમાર્ગનોઆધિદૈવિક યજ્ઞ છે જેવી રીતે વસંતઋતુમાં પ્રથમ દેવતાઓએ વિરાટ સ્વરૂપના અવયવ સ્વરૂપ હોમ દ્રવ્યથી પ્રાણરૂપ યજ્ઞનારાયણને પ્રસન્ન કરવા જે આધ્યાત્મિક યજ્ઞ કર્યો તેનું જ છપ્પન ભોગ દ્વિતીય આધિદૈવિક સ્વરૂપ છે.માગશર સુદ પુનમના દિવસે શ્રી ગુંસાઇજી પ્રભુચરણે શ્રી નાથજી બાવાને છપ્પન ભોગ ધરાવાય છે. સૌ પ્રથમ છપ્પન ભોગ શ્રી વૃષભાનુજીએ કરાવ્યો હતો.
૩૪) શ્રી ગુંસાઇજીનો પ્રાગટ્યોત્સવ
શ્રી ગુંસાઇજીનાં પ્રાગટ્યોત્સવ ને દિવસે સ્વયં શ્રીનાથજી બાવાએ ભીત્તરીયાઓ પાસે જલેબી બનાવડાવી હતી
તેથી આ દિવસને જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસે વૈષ્ણવો અપરસમાં ન્હાઇ
ઝારી, બંટા, ભોગ, ધોતી, ઉપરણાં, કેસરસ્નાન, અક્ષત તિલક વગેરે ધરી પોતાના ગુરૂની
આરતી ઉતારી ચરણસ્પર્શનો લ્હાવો લે છે આ દિવસ વર્ષાંતે ઉપરાંત અધિકમાસમાં પણ
ધામધૂમથી ઉજવવામાં આવે છે.
૩૫) દાણ લીલાનો મનોરથ
શ્રીમદ્ ભાગવતમા કહેલ છે કે શ્રી ઠાકોરજીના જન્મ પછી નંદરાયજીએ ફકત એકવાર મથુરાનરેશ કંસને કર ભર્યો છે અને તે કર ભરવાનો છેલ્લો પ્રસંગ હતો ત્યારબાદ નંદરાયજીએ કર ભર્યો નથી એનું મુખ્ય કારણ શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે કરએ અધિપતિને ભરવામાં આવે છે અને વ્રજનાં અધિપતિ તો વ્રજમાં જ હાજર છે તો પછી કોઇ અન્ય અધિપતિને કર શા માટે ભરવો?? જીવની ભગવદારૂપમાં પ્રિતિ થાય તે હેતુથી શ્રી ઠાકુરજી સામે ચાલીને પોતાનું દાણનાં રૂપમાં દહીંના દાન માંગે છે અને શ્રી મહાપ્રભુજી કહે છે કે ઘી, દૂધના દાન નથી માંગ્યા પણ દહીંના દાણ
માંગ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દહીં સાથે સરખાવવામાંઆવી છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ.દધિ માંથી નીકળતું સાર રૂપ માખણ શ્રી ઠાકોરજીને અતિપ્રિય છે તેજ રીતે ઇન્દ્રીયો મંથન દ્વારા હ્લદયમાંથી નીકળતો પ્રભુના યશોગાન રૂપી આર્તનાદ પ્રભુને અત્યંત પ્રિય છે. અધિકમાસમાં દાનલીલા અથવા દાનઘાટીનો મનોરથ થાય છે.
૩૬) કુંજ-નિકુંજ
કુંજ એટલે બગીચો, તેમાં વિલાસ કરવાના મહેલ તે નિકુંજ. નવનિકુંજમાં કુંજ, નિકુંજ બંનેનો સમાવેશ થાય છે. અનેક ભક્તોની કુંજમાં પ્રભુ ઝુલે છે. તે કુંજ એટલે વૃંદાવન ની વનરાઇ અને તેમાં વિલસતું ઉદ્દીપનનું રસરૂપ એટલે પલ્લવિત લતા-પતા અને વૃક્ષોની ઊંચી ડાળીએથી મીઠા મધુરા સ્વરે ગાઇ રહેલા બપૈયા, દાદુર, કોકિલના સુમધુર શબ્દો, મયુરોના મત્ત નૃત્ય, અને તેમાં વૃક્ષોએ કુદરતી રીતે બનાવેલા ઝૂલાઓની કુંજમાં નટવર નિકુંજરાય હિંડોળે ઝૂલે છે તે થયું કુંજનું સ્વરૂપ.
નિકુંજ એટલે રમણ વિલાસ કરવાનો મહેલ.તેથી નિકુંજને વૈભવ કહ્યો. તેમાં આરોગવાની અનેક પ્રકારની સામગ્રીઓ, રરમણ વિલાસ માટે શૈથ્યા આદીની રમણ રચના કરવા ઉપયોગી થાય તેવો વૈભવ જેમાં વસેલો છે તે નિકુંજ. “નવનિકુંજ લીલારસ પુરીત, શ્રીવલ્લભ તન મન મોરે,” એ પદમાં ઉદ્દીપન-કુંજ નિકુંજનું વિશેષતા છે. તેનો ભાવ નવનિકુંજ સ્વામિનીગણ, તેથી કહ્યું કે કુંજ-નિકુંજની લીલાને પૂર્ણ રીતે રસાળ કરીને ભક્ત દદ્વારા વિલાસ કરીને તેની પૂર્તિ થયેલી છે.
પૂર્તિ
આ માસ દરમ્યાન વૈષ્ણવજનો પ્રભુસ્મરણ કરતાં જોવા મળે છે પુષ્ટિમાર્ગમાં દેહદમન કરતા સેવાસ્મરણ અને નામ સ્મરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. અધિકમાસમાં અધિક થી અધિકતર સ્મરણ અને સત્સંગ કરીને પ્રભુને લાડ લડાવીને આનંદ કરે છે અને પ્રભુનાં કૃપાપાત્ર બને છે.
પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli