શ્રીનવનીતપ્રિયાજી સ્વરૂપ ભાવના
નવનીત એટલે માખણ, તાજું માખણ જેને બહુ પ્રિય છે તેવા આપ શ્રીનવનીતપ્રિયાજીના શ્રીહસ્તમાં સદાયે માખણ હોય છે. થોડું માખણ તેઓ પોતાના જમણા શ્રીહસ્તમાં રાખે છે અને બીજો ડાબો માખણ વાળો શ્રીહસ્ત જમીન પર રાખે છે. એનો અર્થ એ છે કે માખણ જેવા કોમળ હ્લદયવાળા ભક્ત ને હું ભગવદરસ ની પ્રાપ્તિ કરાવુ છું.
આ સ્વરૂપ માં બાલભાવ ની સેવા મુખ્ય મનાય છે પણ તેમ છતાંયે વ્રજભક્તો માટેની લીલાઓમાં કુમારલીલા અને રીંગણ લીલા (ઘુંટણીએ ચાલતાં ચાલતાં કરેલી લીલાઓ) પણ તેમાં આવી જાય છે અને બાકીની બચેલી લીલાઓ ગુપ્ત છે. આ સ્વરૂપ નું પ્રાગટ્ય શ્રીયમુનાજીમાંથી થયેલું. રજો ક્ષત્રાણી શ્રીમહાપ્રભુજી ની સેવક હતા એક દિવસ તેઓ યમુના નદીમાં પાણી ભરતા હતા ત્યારે તેના ઘડા માં ૪ મૂર્તિઓ મળી આવી. તેણે આ બધા સ્વરૂપો ને લઇ ને શ્રીમહાપ્રભુજી પાસે આવી અને તેમને જુદા જુદા વૈષ્ણવો ને સેવા પધરાવી દીધી. તેમાં એક સ્વરૂપ શ્રીનવનીતપ્રિયાજીનું હતું.
શ્રીમહાપ્રભુજી એ પોતાના સેવક ગજ્જન ધાવન ને આ સ્વરૂપ પધરાવી દીધું. જયારે ગજ્જન ધાવનથી સેવા થઇ શકે તેમ ન હતું, ત્યારે તેમને આ સ્વરૂપ ને અડેલ મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી ને પાછું પધરાવી દીધું અને તેમની સાથે રહેવા લાગ્યા.
ત્યાર બાદ શ્રીવલ્લભ અને શ્રીગુંસાઇજી, શ્રીનવનીતપ્રિયાજી ને લઇ ને મથુરા અને પછી ગોકુલ પધરાવ્યા.
જ્યારે શ્રીજીબાવા નાથદ્ધારા પધાર્યા ત્યારે તેમની સાથે
સાથે શ્રીનવનીતપ્રિયાજી પણ પધાર્યા. આ સ્વરૂપ ની સેવા શ્રીગોપીનાથજી અને
શ્રીવિઠ્ઠલનાથજીએ કરી છે. વંશ પરંપરાથી હાલમાં શ્રીનવનીતપ્રિયાજી ની સેવા
શ્રીનાથદ્વારા ના ગોસ્વામી તિલકાયત ના માથે બિરાજે છે.
કામિની રોહિત મેહતા
© Kaminiben Mehta [email protected]