ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

સાસુવહુ ગોરજા-સમરાઈ

આ સાસુવહુ સિંહનદમાં રહેતા હતાં. એકવાર શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હતાં ત્યારે સિંહનદના વૈષ્ણવો સર્વે ભેગા થઈ શ્રી મહાપ્રભુજીના દર્શને ગયા હતાં ત્યારે સિંહનદની આ ગોરજા સાસુ પણ પોતાની વહુને શ્રી ઠાકુરજીની સેવા સોંપીને પોતે પણ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા માટે અન્ય વૈષ્ણવો સાથે ગઈ.

આ તરફ વહુ વિચારવા લાગી કે સારું થયું કે આજે મને શ્રી ઠાકુરજીને શૃંગાર કરવાનો અને ભોગ ધરવાનો અવસર પ્રાપ્ત થયો. આમ વિચારતી વિચારતી તે વહુ અપરસમાં નહાઈ ઝડપથી શ્રી ઠાકુરજી પાસે આવીને મંગલભોગ ધરી શૃંગાર કર્.યો પછી બધી રસોઈ કરી થાળ કટોરા સજાવીને શ્રી ઠાકુરજીની પાસે ભોગ ધર્યો. પછી પોતે ટેરો લગાવી પાસે બેસી. થોડીવાર પછી જ્યારે ભોગ સરાવવા ગઈ ત્યારે જોયું કે થાળ, કટોરા સામગ્રી બધુ એમ જ પડ્યું છે. ત્યારે તે ખેદ કરી કહેવા લાગી કે અરે મને સેવા કરતાં પણ નથી આવડતી. જરૂર મારાથી કોઈક અપરાધ થયો હશે તેથી શ્રી ઠાકુરજી મારા હાથનું આરોગતા નથી. આમ વિચારી ફરી સ્નાન કરી અપરસ કરી આવી, અને અત્યંત ચોકસાઇપૂર્વક ફરી નવી સામગ્રી સિધ્ધ કરી સાવધાનીથી શ્રી ઠાકુરજીને ભોગ ધર્યો. પછી ટેરો નાખી થોડીવાર બેસીને જ્યારે ટેરો દૂર કર્યો, ત્યારે તેણે જોયું કે બધી સામગ્રી એમ જ પડી છે. ત્યારે તે અત્યંત દુઃખી થઈ પોતાના બેકાળજી ભર્યા મનને દોષ દેવા લાગી, અને પોતાના પ્રભુને આટલો શ્રમ લેવો પડ્યો છે, તેમ જાણી ફરી તે અપરસ નહાઈ આવી, અને ફરી સામગ્રી સાવધાની પૂર્વક સિધ્ધ કરી શ્રી ઠાકુરજીને ભોગ ધર્યો. પણ તો ય એજ પરિણામ આપતાં તે પોતાના ભાગ્યને દોષ દેવા લાગી અને કહેવા લાગી કે મારી સાસુ જેવી સુંદર સેવા મને કરતાં નથી આવડતું, તેથી મારા પ્રભુને શ્રમ પડી રહ્યો છે, આમ વિચારતા તેનું શરીર ઢીલું પડી ગયું, તેનો કંઠ સુકાવા લાગ્યો, અને તે મૂર્છિત થઈ ઢળી પડી.

શ્રી ઠાકુરજીથી તેનું દુઃખ સહન ન થતાં તેમણે પોતાની ઝારીથી વહુને જળ પીવડાવી, તેણે ભાનમાં આણીને કહ્યું, કે તું ખેદ ન કર તારી ત્રણેય વારની સામગ્રી હું પ્રેમપૂર્વક આરોગ્યો છું. જે સામગ્રીને મારો હાથ સ્પર્શ થાય છે તે સામગ્રી ઘટતી નથી તેથી તને ત્રણેય વાર તે થાળ કટોરા ભરેલા દેખાયા. તું હવે પ્રસાદ લે અને ખેદ ન કર. શ્રી ઠાકુરજીની વાતથી તે વહુને થોડી શાતા વળી બીજે દિવસે જ્યારે તે વહુ ટેરો નાખવા ગઈ ત્યારે શ્રી ઠાકુરજી કહે કે હું ભોગ આરોગુ છું, તું તારી નજરે જ જોઈ લે. આમ શ્રી ઠાકુરજીએ તે ભોળી વહુ પર કૃપા કરી પોતે ભોજન આરોગે છે તેવા દર્શન કરાવ્યાં, ત્યારે તે વહુ અત્યંત પ્રસન્ન થઈ.

આ પ્રસંગ બન્યા બાદ શ્રી ઠાકુરજીએ તે વહૂની સાસુને કઈ રાખ્યું કે હવેથી તેની સાસુ સામગ્રી સિધ્ધ કરવાની સેવા કરશે અને વહુના હાથે તેઓ શૃંગાર કરી ભોગ આરોગશે, ત્યારે સાસુ અત્યંત આનંદિત થઈ કહેવા લાગી કે હે પ્રભુ આપની જે પ્રમાણે આજ્ઞા હશે તે રીતે હું કરીશ પણ આપની પ્રસન્નતામાં જ અમારી પ્રસન્નતા રહેલી છે. આચાર્યશ્રીની આવી સેવક એવી તે સાસુ વહુને આપણાં અગણિત વંદન.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkann
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli