ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

કૃષ્ણમાઈ (દાસી ખવાસણી) 

 

શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ પણ એની કાનિ રાખતા, તેવી તે શ્રી મહાપ્રભુજીની કૃપાપાત્ર સેવક હતી.
કૃષ્ણદાસી શ્રી રૂક્ષ્મણી વહુજીની ખવાસી કરતી હતી.

એક સમયે શ્રી રૂક્ષ્મણી વહુજીને ગર્ભાધાન રહ્યું, ત્યારે કૃષ્ણદાસીએ કહી દીધું કે વહુજીને પુત્ર થશે. ત્યારે તે પુત્રનું નામ હું શ્રી ગોકુલનાથ રાખીશ, કારણ કે શ્રી ગોકુલનો નાથ જ વહુજીની ગોદમાં ફરી ખેલવાને પધારી રહ્યો છે.

ગર્ભના દિવસો પૂરા થતાં એક દિવસ વહુજીને પ્રસવની પીડા ઊપડી, ત્યારે કૃષ્ણમાઈ જ્યોતિષને બોલાવી પૂછવા લાગી, કે અત્યારે મુહર્ત કેવું ચાલે છે ત્યારે જ્યોતિષી કહે માઈ આજનું મૂહર્ત બરાબર નથી. પરંતુ ત્રણ દિવસ પછી એક સુંદર સમય આવે છે.

જ્યોતિષની વાત સાંભળીને કૃષ્ણમાઈ દોડતી દોડતી વહુજી પાસે ગઈ અને વહુજીના ઉદર પર હાથ ફેરવીને કહેવા લાગી, કે બાવા, હાલમાં ન પધારો ત્રણ દિવસ પછી ઉત્તમ દિન આવે છે. આપ ત્યારે જ પધારો.

જાણે કૃષ્ણમાઈની વાત વહુજીના ઉદરમાં રહેલા બાલકે સાંભળી હોય તેમ વહુજીની પ્રસવ પીડા મટી ગઈ. ત્રણ દિવસ પછી ફરી માઈ જ્યોતિષ પાસે ગઈ અને ઉત્તમ સમય જાણી આવી. પછી વહુજીના ઉદરમાં રહેલ બાલક સાથે વાત કરતી કહેવા લાગી, કે બાવા અત્યારે સુંદર અને અતિ ઉત્તમ સમય છે. આપ પધારો.

બાવા માઈની આજ્ઞા સાંભળીને થોડી જ વારમાં વહુજીને ત્યાં બાલક પ્રગટ થયું. શ્રી વિઠ્ઠલેશ પ્રભુએ નામકરણ સંસ્કાર કર્યા બાદ તે બાલકબાવાને વલ્લભ નામ આપ્યું. પરંતુ જગમાં એ બાલક કૃષ્ણમાઈના કહ્યા પ્રમાણે શ્રી ગોકુલનાથજી તરીકે પ્રસિધ્ધ થયું.

શ્રી વિઠ્ઠલેશજીના ગૃહમાં તે બાવાને વલ્લભ કહીને બોલાવતાં, જન્મ પત્રિકામાં તે બાલકનું નામ શ્રી કૃષ્ણ વલ્લભ રાખવામાં આવ્યું, પરંતુ શ્રી કૃષ્ણ નામ હંમેશા ગોપ્ય રહ્યું.

શ્રી વિઠ્ઠલેશજી એવી તે કૃષ્ણમાઈની કાનિ રાખી કે પોતે પ્રગટ કરેલું નામ ગોપ્ય રાખીને કૃષ્ણમાઈએ આપેલા નામને જગમાં પ્રસિધ્ધ કર્યું.

આ કૃષ્ણદાસીએ રચેલા અનેક કિર્તનો, ધોળ વગેરે પુષ્ટિમાર્ગમાં પ્રચલિત થયા.
આ દાસીને નંદાલયની તથા રાસાદિકની લીલાનો સાનુભાવ થતો હતો.

શ્રી મહાપ્રભુજીની આવી અનન્ય સેવક એવી કૃષ્ણદાસીને આપણાં અનેકાનેક વંદન.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli