ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


આનંદદાસ અને વિશ્વંભરદાસ

 

પ્રયાગના એક ક્ષત્રીને ત્યાં આનંદદાસ અને વિશ્વંભરદાસ બંને ભાઈઓ જન્મ્યા હતા.
બાળપણથી જ તેમને સંસારની લૌકિક આસક્તિ તરફ અરુચિ હતી.

જ્યારે તેઓ વિવાહને યોગ્ય થયા ત્યારે માતાપિતાએ તેમને કહ્યું કે હવે વિવાહિત થઈ સંસારનું સુખ માણો અને આનંદદાસજીની સગાઈ યોગ્ય જગ્યાએ કરી. વિવાહ થવા ને એક રાત બાકી હતી ત્યારે આનંદદાસ પોતાના ભાઈ વિશ્વંભર દાસ સાથે, ઘર અને ગામ છોડી ચિત્રકૂટમાં આવીને વસ્યા. જ્યારે તેમના માતાપિતાને જાણ થઈ ત્યારે તેઓ ચિત્રકૂટમાં આવ્યા અને તેમને સંસારથી દૂર રાખવાનું વચન આપીને મનાવીને પાછા પ્રયાગ લઈ આવ્યા.

તે બંને ભાઈઓને કથા વાર્તા સાંભળવાનું અતિ વ્યસન હતું. ઘણી વાર કથા સાંભળવા જતાં ત્યાં જ સાનભાન ગુમાવીને મૂર્છિત દશામાં પડ્યા રહેતા. એક વાર પ્રયાગમાં શ્રી યમુનાજીના સંગમના તીરે સુધબુધ ગુમાવી આખી રાત પડ્યા રહ્યા, અને, આ જન્મમાં શ્રી ઠાકુરજીથી પોતાનો વિરહ થયો છે તેમ માની દુઃખ અનુભવી રહ્યા હતા. અડધી રાત્રિના સમાએ શ્રી ઠાકુરજીએ શ્રી મહાપ્રભુજીને જણાવ્યુ કે પ્રયાગના યમુનાજીના સંગમના તીરે બે બાળકો બેશુધ્ધ થઈ પડ્યા છે, તેમને મારે માટે બહુ તાપ છે. આપ ત્યાં પધારી તેમનો અંગીકાર કરો. નહીં તો તેમનો દેહ તાપાત્મક થઈ છૂટી જશે.

આ સાંભળી આચાર્ય શ્રી, કૃષ્ણદાસ મેઘન અને બીજા વૈષ્ણવોને લઈ શ્રી યમુનાજીના ઘાટ પર આવ્યા. ત્યારે ત્યાં નાવ બંધાયેલી હતી પરંતુ નાવ ચલાવનાર નાવિક ત્યાં ન હતો ત્યારે શ્રી મહાપ્રભુજીએ એક વૈષ્ણવને કહ્યું કે તું નાવ ચલાવ ત્યારે વૈષ્ણવે કહ્યું કે જયરાજ મને નાવ ચલાવતા આવડતી નથી. મારી આજ્ઞાથી બધુ બરાબર થશે અને તું નાવ પણ બરાબર ચલાવી શકશે. આચાર્યશ્રીની કૃપાથી વૈષ્ણવે નાવ ચલાવી. આચાર્યશ્રીની કૃપાથી નાવ સામે પાર પહોંચી આચાર્યશ્રીએ શ્રી હસ્તમાં જળ લઈ તે બંને ભાઈઓ પર છાંટ્યું. જ્યારે તે બંને ભાઈ ભાનમાં આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ કરાવ્યા.

આવા ભગવતસંબંધ માટે વિરહાતુર આ બંને સેવકોને આપણે વંદન કરી આગળ વધીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli