ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

રાણા વ્યાસ

 

રાણા વ્યાસ સાંચોરા ગોધરાના વાસી હતા.
 
તેઓ શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતા.

એકવાર રાણા વ્યાસ સિધ્ધપુર આવ્યા. તે જગન્નાથ જોશી સાથે સરસ્વતીમાં સ્નાન કરી સંધ્યા વંદન કરતા હતા, તે સમયે એક રાજપૂતાણી તેના પતિનું મરણ થયું હોવાથી સતી થવા આવી પહોંચી. જગન્નાથ જોશીએ રાણાવ્યાસને પૂછ્યું સ્ત્રી સતી થાય છે તે બાબતે તમારૂ શું માનવું છે? રાણા વ્યાસ કહે કે મરણ પામેલ વ્યક્તિ તો પ્રેત અવસ્થામાં છે, પણ તેની સાથેની વ્યક્તિએ પોતાનો અમુલ્ય દેહ વ્યર્થ ગુમાવવો જોઈએ.

મરણ પામેલ વ્યક્તિ પાછળ જે માણસ પોતે મરે છે, તે પોતાનો જન્મારો અને આવતો જન્મારો બંને બગાડે છે. આવો સુંદર દેહ ભગવદ સેવામાં લાગે તો ઉધ્ધાર થઈ જાય. રાણા વ્યાસ આવું બોલી રહ્યા હતા, ત્યારે પેલી રાજપૂતાણીની દ્રષ્ટિ રાણા વ્યાસ પર પડી. તેઓ નકારમાં માથું ધૂણાવી રહ્યા હતા તે જોઈને રાજપૂતાણીનું સત ઉતારી ગયું. તેણે પોતાના પતિ સાથે બળી મરવાનો વિચાર પડતો મૂકી દીધો.

લોકોએ તે રાજપૂતાણીને કહ્યું કે હવે તને ઘરમાં અને ગામમાં નહીં આવવા દઈએ, ત્યારે રાજપૂતાણીએ કહ્યું કે હું અહીં નદી કિનારે ઝૂપડી બનાવીને રહીશ, પણ જો આપ સૌ મને બળજબરી બાળી નાખશો તો આપને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. સાંભળી સગા સંબંધી સર્વે મૃતકના દેહને બાળીને તે રાજપૂતાણી માટે ગામ બહાર નદીને કિનારે ઝૂપડી બનાવીને ગામમાં ગયા.

તે રાજપૂતાણી રાણા વ્યાસ અને જગન્નાથ જોશી પાસે ગઈ અને તેમનો પોતાને જીવનનું સત્ય રહસ્ય સમજાવવા બદલ આભાર માન્યો. અને રાણા વ્યાસને વિનંતી કરી, કે આપ મને શરણે લો અને મારો ઉધ્ધાર થાય તેવું કરો.

રાણા વ્યાસે કહ્યું કે હમણાં તને સૂતક છે, માટે સૂતક ઉતર્યા પછી આવજે.
તે રાજપૂતાણી સૂતક ઉતાર્યા બાદ રાણા વ્યાસ પાસે ગઈ ત્યારે રાણા વ્યાસે તેને સરસ્વતીમાં સ્નાન કરીને આવવા કહ્યું. તે પછી આચાર્યશ્રીનું નામ સ્મરણ કરી તેને નામ-નિવેદન કરાવ્યું. નામ નિવેદન લીધા બાદ તે બાઈમાં ભગવદ ભાવ પ્રગટ થયો. તેણે પોતાને માટે
કોઈ ટહેલ બતાવવા કહ્યું. રાણા વ્યાસે તેણે પોતાના ધોતી ઉપરણા વગેરે ધોવાની ટહેલ બતાવી. તે રાજપૂતાણી જેમ જેમ ભગવદીયના વસ્ત્ર ધૂવે તેમ તેમ વાસનાના મેલ ધોવાય આમ તેનું હૃદય અત્યંત નિર્મળ થયું.

આચાર્યશ્રીના આવા અનન્ય સેવકને આપણા અગણિત વંદન હો.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli