ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

વિષ્ણુદાસ છીપા

 

તેઓ શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક હતાં.
તેઓ આગ્રા પાસે આવેલા એક ગામમાં રહેતાં હતાં.
તેમના પિતા રંગારા હતાં. તેઓ જે વાસ્તરોને રંગી આપે તે વાસ્તરોને લઈ વિષ્ણુદાસજી આગ્રે આવતાં, અને તે વસ્ત્રોને વેચી આવતાં.

એક સમયે વિષ્ણુદાસ સુંદર છીંટના થાન લઈ આગ્રા આવ્યાં. આગ્રે આવ્યાં બાદ તે વસ્ત્રો વેચવા માટે તેઓ માર્ગની કોરે બેસ્યા હતાં. ત્યાં શ્રી મહાપ્રભુજી પોતાના થોડા સેવકો સાથે ત્યાંથી પસાર થયા. ત્યારે તેમણે કૃષ્ણદાસ મેઘનને કહ્યું, કે વિષ્ણુદાસજી પાસેથી આ વસ્ત્રો તે માંગે તેટલા દામ આપીને ખરીદી લો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સાંભળીને કૃષ્ણદાસજી વિષ્ણુદાસજી પાસે આવ્યાં અને તેમને થાનનું મૂલ્ય પૂછ્યું. ત્યારે વિષ્ણુદાસે જે મૂલ્ય હતું તેના કરતાં ચારગણું મૂલ્ય વધુ કહ્યું. ત્યારે કૃષ્ણદાસજીએ વિષ્ણુદાસજી એ કહેલ દામ આપી તેમની પાસેથી તે વસ્ત્રોના થાન ખરીદી લીધા.

વિષ્ણુદાસજી આ પ્રથમ એવી વ્યક્તિ જોઈ હતી કે જે ભાવની રકઝક કર્યા વગર તેમણે કહેલ દામ આપી વસ્ત્ર ખરીદી લીધું હોય. આ જોઈ વિષ્ણુદાસજી વિચારવા લાગ્યા કે આતો વૈરાગી છે આમનું ધન લઇશ તો આખું ઘર વૈરાગી થશે. માટે તેઓ કૃષ્ણદાસજીને કહેવા લાગ્યા કે આપ આપના દામ પાછા લો અને મને મારુ વસ્ત્ર પાછું આપો. ત્યારે કૃષ્ણદાસજી કહે કે આ દામ ઓછા હોય તો આપને હજુ વધુ દામ અમે આપીએ પરંતુ અમે આ વસ્ત્ર આપને પાછું નહીં આપીએ, કારણ કે આ વસ્ત્ર અમારા આચાર્યજીને બહુ ગમ્યું છે. તેથી આપ કરોડો ઉપાય કરશો તો પણ આ વસ્ત્ર આપને પાછું નહીં મળે. ત્યારે વિષ્ણુદાસજી કહે આપના આચાર્યજીથી અમે ઘણા પ્રભાવિત થયા છીએ, પણ આ દામ આપ પાછા લઈ લો વસ્ત્રો ન આપો તો કંઇ નહીં. ત્યારે કૃષ્ણદાસજી કહે અમારા આચાર્યજી આપના આ દામ પણ આપની પાસેથી લેશે નહીં !

આ સાંભળીને વિષ્ણુદાસજીને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યારે કૃષ્ણદાસજી કહે કે અમારા આચાર્યજી પોતાના સેવક ન હોય તેવી વ્યક્તિની ભેંટ ગ્રહણ કરતાં નથી આ સાંભળીને વિષ્ણુદાસજીને અત્યંત આશ્ચર્ય થયું તેમણે પૂછ્યું કે શ્રી આચાર્યજી ક્યાં બિરાજે છે? ત્યારે કૃષ્ણદાસજી કહે કે પેલા પીપળના વૃક્ષ નીચે તેઓ બિરાજી રહ્યા છે. આ સાંભળીને વિષ્ણુદાસજી ત્યાં દોડી આવ્યાં, અને શ્રી મહાપ્રભુજીને પોતાને શરણે લેવાની વિનંતી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે જઈને યમુનામાં સ્નાન કરી આવો, પછી અમે આપને નામનિવેદન કરાવીશું. ત્યારે વિષ્ણુદાસજીએ એમ જ કર્યું જેમ આચાર્યજીએ આજ્ઞા કરેલી હતી. ત્યારે શ્રી આચાર્યજીએ વિષ્ણુદાસજીને શરણે લઈ બ્રહ્મસંબંધ આપ્યું, અને તુર્ત જ સેવાફલ નામનો ગ્રંથ રચીને સમજાવ્યો.

આવા શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકને દંડવત કરી વૈષ્ણવો આપણે આગળ વધીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli