બુલામિશ્ર સારસ્વત
તેઓ શ્રી મહાપ્રભુજીના અન્યોન્ય સેવક હતાં. કિશોરવસ્થાના બુલામિશ્ર સારસ્વત બ્રાહ્મણ હોવા છતાં અત્યંત અભણ અને અજ્ઞાની હતા. આથી તેમણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પોતાની ભગવદ્ ભક્તિ, ભગવદ્ સ્મરણ અને ભગવદ્ભજનથી ભગવાનને પ્રસન્ન કર્યા હતાં.
ભગવાને શ્રી સરસ્વતીજીને
આજ્ઞા આપતાં કહ્યું કે આ બુલામિશ્ર તે શ્રી મહાપ્રભુજીના સેવક છે આમને જ્ઞાન આપો. આથી
શ્રી સરસ્વતીજીએ બુલામિશ્રને મહાજ્ઞાની અને પંડિત બનાવ્યાં હતાં.
લાહોરમાં બુલામિશ્રના એક યજમાન ક્ષત્રી રહેતા હતાં. તેઓને બે પત્ની હોવા છતાં પણ તેઓ નિઃસંતાન હતાં. તેથી તે ક્ષત્રીને કોઈએ કહ્યું કે “આપ હરિવંશપુરાણ સાંભળશો તો તમારે ત્યાં સંતતિ થશે” આથી તે ક્ષત્રીએ આવીને બુલામિશ્રને જણાવ્યું. ત્યારે બુલામિશ્રએ કહ્યું કે હમણાં મને સમય નથી. બુલામિશ્રએ આ વાતને આગળ ટાળી કારણ કે તેમને લાગ્યું કે શ્રી ઠાકુરજીની ઇચ્છા પુત્ર પ્રાપ્ત કરાવવાની હોય તો જ હું હરિવંશપુરાણ કહી સંભળાવું, નહીંતર મને પ્રસન્ન રાખવા શ્રી ઠાકુરજી એને પુત્ર આપે, તો આ રીતે શ્રી ઠાકુરજીને પરિશ્રમ થાય, અને મારી પ્રસન્નતા માટે આ રીતે શ્રી ઠાકુરજીને પરિશ્રમ આપવો જરૂરી નથી. આમ વિચારીને તેમણે પોતાના યજમાનની વાત ટાળી દીધી.
શ્રી ઠાકુરજીની સાચે જ એવી ઈચ્છા હતી કે તે યજમાનને ત્યાં સંતતિ થાય. આથી તેમણે બુલામિશ્રને આજ્ઞા આપી કહ્યું, કે આપ આપના યજમાનને હરિવંશપુરાણ સંભળાવો. ભગવદ આજ્ઞાને મસ્તકે ચઢાવી તેઓ પોતાના યજમાન ઘેર સામે પગલે પધાર્યા, અને તેની બંને પત્નીઓને હરિવંશપુરાણનો શ્લોક વાંચી સંભળાવ્યો. પછી બુલામિશ્રએ મંત્રાક્ષત ભણી મોટી પત્નીની ગોદમાં પધરાવ્યાં ત્યારે તે યજમાન કહે શ્રીમાન મારી આ મોટી પત્નીને સ્ત્રીધર્મ આવવાનું બંધ થઈ ગયું છે. ત્યારે બુલામિશ્ર કહે કે જો શ્રી ઠાકુરજીની ઈચ્છા હશે તો તેને ત્યાં ચોક્કસ સંતતિ થશે. સમયાંતરે બુલામિશ્રની વાણી યથાર્થ થઈ તે યજમાનની મોટી સ્ત્રીને ત્યાં પુત્રજન્મ થયો. આથી તે યજમાન ક્ષત્રીનો સમસ્ત પરિવાર અત્યંત પ્રસન્ન થયો.
સમય જતાં તે પુત્ર પણ ભગવદીય બન્યો અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુના શરણે આવી વૈષ્ણવ બન્યો. શ્રી મહાપ્રભુજીના આવા સેવકને આપણે વંદન કરીએ.
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli