રામદાસ ચૌહાણ
શ્રી મહાપ્રભુજીના સેવક તે રામદાસ ચૌહાણ રાજપૂત હતાં, અને તેઓ બુંદેલખંડમાં નિવાસ કરતાં હતાં.
નાનપણથી તેઓ મક્કમ મનોબળ વાળા અને ટેકીલા હતાં, અને નિર્ભીક તો એવા કે એકવાર ગામના રાજાની પાસે માથું ઝુકાવવા માટે તેમણે ના કહી દીધેલી હતી. રાજાએ તેમના પર અત્યંત અત્યાચાર કર્યા કર્યા પણ રામદાસજી રાજાને ન ઝૂક્યા. જ્યારે તેઓ તે અત્યાચારી રાજાની કેદમાં હતાં ત્યારે ભગવદ્ ઇચ્છાએ પાડોશી દેશનો રાજા આ અત્યાચારી રાજા પર ચડી આવ્યો, અને તેને મારીને તેનું રાજ્ય લઈ લીધું. તેમજ જેટલા કેદી બંદીઑ તે રાજાના કારાવાસમાં હતાં તે બધાને છોડી દીધા. તે બંદીઓમાં એક રામદાસ ચૌહાણ પણ હતાં. તેઓ કેદમાંથી છૂટીને સીધા વ્રજમાં આવ્યા.
વ્રજમાં તેઓ અત્યંત પ્રસન્નતા અનુભવી રહ્યા
હતાં, તેથી તેમણે વિચાર્યું કે અહીં આવીને ક્યાંક મારા પિતા મને ન લઈ જાય. તેથી તેઓ
આખો દિવસ ગોવર્ધનની કંદરામાં અપ્સરા કુંડ પર રહ્યા. ત્યાં આખો દિવસ બેસી રહેતા, અને
શ્રી ઠાકુરજીનું સ્મરણ કરતાં. રાતે બહાર નીકળી અને વ્રજવાસીઓના ઘરોમાંથી ભિક્ષા
માંગી લાવી નિર્વાહ કરતાં.
આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રીનાથજીને પ્રગટ કર્યા, ત્યારે નાનું સરખું મંદિર કરી તેના પર ઘાસનું છાપરું બનાવીને શ્રીનાથજીને પાટ બેસાડયા. તે સમયે શ્રી ઠાકુરજીએ રામદાસજીને જણાવ્યું, કે તું શ્રી મહાપ્રભુજીનો સેવક બની મારી સેવા કર. રામદાસજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યાં અને શ્રી આચાર્યજીના દર્શન કરી પોતાને શરણે લેવા વિનંતી કરી.
શ્રી મહાપ્રભુજીએ રામદાસજીને નામનિવેદન કરાવ્યુ અને આજ્ઞા કરી કે તમે શ્રી શ્રીનાથજીની સેવા કરો, અને વ્રજવાસીઓના ગૃહોમાંથી જે સામગ્રી સીધું આવે, તેમાંથી તમારો નિર્વાહ કરજો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ સર્વે વ્રજવાસીઑ સાથે શ્રી રામદાસજી શ્રીનાથજીની બધી રીતે સંભાળ રાખતા, અને વ્રજવાસીઓ જે સીધુ સામગ્રી આપી જતાં, તેમાંથી શ્રી ઠાકુરજીને ભોગ ધરીને એ બધાથી નિર્વાહ કરતાં.
આવા શ્રી આચાર્યજીના કૃપાપાત્ર
સેવક રામદાસજીને સદૈન્ય પ્રણામ કરી આપણે આગળ વધીશું?
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]
Return to main courtyard of the Haveli