ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ભગવાનદાસ સાંચોરા (ભીતરિયા)

શ્રી મહાપ્રભુજીના અનન્ય સેવક એવા ભગવાનદાસ સાંચોરા ભીતરિયાનું કાર્ય કરતાં.

એક દિવસ તેમણે કોઈ સામગ્રી બનાવી તે જરા બળી ગઈ. આ બળેલી સામગ્રી તેમણે પ્રભુને ભોગ ધરી. જ્યારે શ્રી વિઠ્ઠલેશપ્રભુ ભોજન કરવા બેઠા ત્યારે તેમણે બળી ગયેલી સામગ્રી જોઈ. તેઓ ભગવાનદાસ પર કૂપિત થયા, અને તેમની પાસેથી ભગવાનદાસની સેવા છોડાવી લીધી.

સેવા છૂટી જતાં ભગવાનદાસજી દુઃખી થઈ આંસુ સારવા લાગ્યાં. તેમની સૂઝ બૂઝ ચાલી ગઈ અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું? સાચા ભગવદીય જ કપરા સમયે વૈષ્ણવોને માર્ગ બતાવી શકે. આથી તેઓ ગોવિંદકુંડ પર બિરાજી રહેલા શ્રી મહાપ્રભુજીના વયોવૃધ્ધ સેવક અચ્યુતદાસજી પાસે આવ્યાં. અચ્યુતદાસે તેમને સમજ પાડીને કહ્યું કે બગડેલી, બળી ગયેલી સામગ્રી પ્રભુને ન ધરાય અને આવું ક્યારેક થઈ જાય તો નવી સામગ્રી બનાવવામાં આળસ ન કરવી. આપ જઈ શ્રી ગુંસાઈજી પ્રભુચરણને વિનંતી કરો, અને આપે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત કરો. શ્રી વિઠ્ઠલેશપ્રભુ ચરણ અત્યંત દયાળુ છે. તેઓ આપને જરૂર ફરીથી સેવા આપશે

શ્રી મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસજી વયોવૃધ્ધ હોઈ નિત્ય ગોવિંદકુંડ પર રહી માનસી સેવામાં મગ્ન રહેતાં. શ્રી વિઠ્ઠલેશપ્રભૂચરણ નિત્ય આ સેવકને દર્શન આપવા માટે ગોવિંદકુંડ પર પધાર્યા, ત્યારે અચ્યુતદાસજી ભગવાનદાસની પીડાથી પડાઈ આંસુ સારી રહેલા હતાં. શ્રી ગુંસાઈજી પ્રભુએ કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે, મહારાજ શ્રી મહાપ્રભુજીએ તમામ દોષીજીવ ને આપને સોંપ્યા છે. અને આપ જીવનો દોષ જોવા બેસી ગયાં. હવે આ આ જીવોનો ઉધ્ધાર શી રીતે થશે?

શ્રી ગુંસાઈજીએ કહ્યું કે આપના થકી શ્રી મહાપ્રભુજીએ જ મને આ આજ્ઞા કરી છે. આપ ફિકર ન કરશો નહીં. હવેથી હું કોઈ વૈષ્ણવ પર કુપિત થઈશ નહીં. પછી શ્રી ગુંસાઈજી પ્રભુચરણ સ્વયં ભગવાનદાસજીનો હસ્ત પકડીને પાછા શ્રીજીની સેવામાં લઈ આવ્યાં, અને શ્રીજીની સેવા ખૂબ સાવધાનીપૂર્વક કરવાની આજ્ઞા કરી. ફરી સેવાના કાર્યમાં ભગવાનદાસજીને નિયુક્ત કર્યા.

શ્રી ભગવાનદાસજીનો આ પ્રસંગ વૈષ્ણવોને ગૃહસેવાના કાર્યમાં સાવધાની શીખવે છે.
આપણ વૈષ્ણવોને સેવા અંગે સચેત કરનાર ભગવાનદાસ ભીતરિયાને આપણે વંદન કરી આગળ વધીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli