ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

 ભગવાનદાસ સારસ્વત

શ્રી મહાપ્રભુજીના સેવક તે હાજીપુરના બ્રાહ્મણ હતાં.તેઓએ તેમની સત્તર વર્ષની આયુમાં યજમાન વૃતિના કડવા અનુભવથી નિશ્ચય કર્યો કે રાજસી લોકોની ચાકરીઓ કરવી નથી. તેથી તેઓ કમાઈ કરવા માટે પૂર્વમાં ગયાં.

જ્યારે તેઓ પટણાથી આગળ જઇ રહ્યા હતાં, ત્યારે માર્ગમાં તેમનો ભેંટો શ્રી મહાપ્રભુજી સાથે થયો.
શ્રી મહાપ્રભુજી
જે ભગવદ્વાર્તા કહેતા તે ભગવાનદાસ સાંભળતાં. એક દિવસ ભગવાનદાસે શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસજી ને કહ્યું કે મને કોઈ સેવા ટહેલ બતાવો તો હું પણ આપની સાથે કાર્યરત થાઉં. ત્યારે કૃષ્ણદાસજી કહે કે આપ શ્રી મહાપ્રભુજીના સેવક નથી, તેથી આપના હાથ ની એકપણ સેવાનો અમે કે અમારા આચાર્યવર સ્વીકાર ન કરી શકીએ.

ત્યારે ભગવાનદાસ શંકિત થઈ ગયાં. તેમણે આ આ વાત શ્રી મહાપ્રભુજીને કહીને પૂછ્,યું કે એક શુદ્ર આપનું જળ લાવે છે, તે આપ સ્વીકાર કરો છો. જ્યારે હું તો બ્રાહ્મણ છુ, તેમ છતાં આપ મારી સેવાનો સ્વીકાર ન કરો, તેમ કેમ બને?

ત્યારે શ્રી મહાપ્રભુજી કહે કે અમારો મત એવો છે, કે જે ભગવાનને ન જાણે તે ક્ષુદ્રથી પણ હલકો છે. અને જે ભગવાનને જાણે છે તે બ્રાહ્મણથી પણ સર્વોપરી છે.

આ સાંભળી ભગવાનદાસ પૂછવા લાગ્યા કે જીવ ભગવાન ને કઈ રીતે જાણે?
ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે શ્રી ઠાકુરજી જીવ પર કૃપા કરે ત્યારે જીવ ભગવાનને જાણી શકે.

ત્યારે ભગવાનદાસે કહ્યું કે શ્રી ઠાકુરજી કૃપા ક્યાં પ્રકારે કરે?
ત્યારે શ્રી મહાપ્રભુજી કહે કે ગુરૂ પ્રસન્ન થાય ત્યારે શ્રી ઠાકુરજી પ્રસન્ન થાય એમ સમજવું
.

ભગવાનદાસે કહ્યું કે મારે કોઈ ગુરૂ નથી, માટે આપ જ મારા ગુરૂ બની મારું માર્ગદર્શન કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેને નામ નિવેદન કરાવી શરણે લઈ તેમની વિવિધ પ્રકારની ટહેલનો સ્વીકાર કર્યો.

એકવાર શ્રી મહાપ્રભુજી ભગવાનદાસજીને ઘેર પધાર્યા તેમના હાથની સામગ્રીનો સ્વીકાર કર્યો. તેમના માતપિતાને નામ સાંભળવ્યું પછી તેઓ અડેલ પાછા પધાર્યા. ભગવાનદાસે જ્યાં તેમના ગૃહમાં જ્યાં બિરાજયાં હતાં, તે જ્ગ્યાને ભગવાનદાસ ચોતરી કરી નિત્ય સ્વચ્છ રાખતાં. અને નિત્ય ત્યાં દંડવત કરી એમ ભાવ લાવતાં, કે શ્રી મહાપ્રભુજી અહીં સાક્ષાત બિરાજે છે. આચાર્યશ્રી તેમને નિત્ય ત્યાં દર્શન આપતા.

શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર સેવકને વંદન કરીએ.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli