ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


 

અડેલની એક ક્ષત્રાણી

 

અડેલની એક ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીની અનન્ય સેવક હતી.

જ્યારે તે નાની હતી ત્યારે તેના વિવાહ થયા હતા. તે બાઈનો પતિ ૪૫ વર્ષની નાની ઉંમરમાં રોગી થઈ મૃત્યુ પામ્યો હતો.
તેને થયું કે હવે સંસારમાં મન રાખવા કરતાં શ્રી મહાપ્રભુજી પાસે જઈને તેમની સેવક બનું. આમ વિચારી તે શ્રી મહાપ્રભુજી પાસે ગઈ અને પોતાનો મનોરથ જણાવ્યો. આચાર્યશ્રીએ તેને નામ નિવેદન કરાવી શ્રી ઠાકુરજીનું એક સ્વરૂપ પધરાવી તેમની સેવા કરવાની આજ્ઞા આપી.

તે ક્ષત્રાણી સ્વભાવે સરળ, ભોળી અને નિષ્કપટ હતી. તે બાઈના ઘરમાં ધનનો અભાવ હતો. તેથી તે સેવામાં માટીના વાસણો રાખતી. ઘર એકદમ નાનું. તે ઘરના રસોડામાં તે મંદિર રાખતી હતી. સેવાની રીત તે સારી રીતે જાણે નહીં, પણ અત્યંત પ્રેમથી સેવા કરે. કોઈક કારણસર તેને આંખોથી બરાબર દેખાતું ન હતું. છતાંયે તે સેવામાં તન્મયતા રાખતી.

એક દિવસ શ્રી મહાપ્રભુજી એક વૈષ્ણવ સાથે તે ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેના પર કૃપા કરવાની ભાવનાથી તે ક્ષત્રાણીના ઘેર પધાર્યા. તે સમયે ક્ષત્રાણી રોટલી કરતી હતી. રોટલી કરીને એક માટીના પાત્રમાં મૂકતી ત્યારે શ્રી ઠાકુરજી ઉઠાવી રમતા રમતા આરોગતા. તે ક્ષત્રાણીને બરાબર દેખાતું નહીં તેથી જ્યારે હાથ ફેરવે અને રોટલી ન મળતી ત્યારે કહેતી કે અરે મને દેખાતું નથી તેથી ઉંદર રોટલી લઈ જાય છે. પણ એ રોટલી મારા ઠાકુરજી માટે હતી એમ કહી ખેદ કરે. ત્યારે તે જોઈ શ્રી મહાપ્રભુજી બોલ્યા કે તું રોટલી માટે ખેદ ન કર તારી રોટલી તો સ્વયં શ્રી ઠાકુરજી રમતા રમતા આરોગી રહ્યા છે. તું ઘણી જ ભાગ્યશાળી છે કે શ્રી ઠાકુરજી તારી પ્રીતિને વશ થયા છે, તેથી તારી ભોગ માટે કાઢેલી રોટલી શ્રી ઠાકુરજી આરોગી જાય છે. આ સાંભળી તે ક્ષત્રાણી ઘણી જ પ્રસન્ન થઈ ગઈ તેણે શ્રી મહાપ્રભુજીને વંદન કર્યા, અને બોલી કે, "જે કાંઇ થયું છે તે આપની કૃપાથકી જ થયું છે." ક્ષત્રાણીની દીનતા જોઈ શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા.

આવા નિર્મળ ભાવવાળી અને સરળ સ્વભાવની ક્ષત્રાણીને વંદન કરી આપણે પ્રયાગની એક ક્ષત્રાણી તરફ આગળ વધીશું વૈષ્ણવો ?

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli