My India   History   Festivals   Ramayan   Mahabharata   Health
Hindu Philosophy   Hindu Culture   Hidu Life Rituals   Gods and Heroes of Hinduism  Comparing Religions
My resume   Poems   Travel-logs   Music   Bhajans   Videos   Links   Mahabharata katha London 2012

સત્ય ની અગ્નિ પરીક્ષા


શ્રી રામ આદર્શ પુરુષ જરૂર હતા, પણ એમના અમુક આદર્શો ઘણા લોકો માટે બોજારૂપ બની ગયા છે.  એમણે કરેલી સીતાજીની અવગણના આજે પણ ભારતીય નારીઓ ને સતત દુઃખ આપે છે.
રાવણના વધ પછી શ્રી રામે સીતાજીનો ત્યાગ કર્યો હતો.  એમણે તો સીતાજી ને જોવા ની પણ ના પાડી દીધી હતી.  રામે સીતાજી ને કહ્યું કે રાવણનો વધ તેમણે કેવળ પોતાનો યશ અકબંધ રાખવા કર્યો હતો.  સીતાજી ને જ્યાં જવું હોય, જેની સાથે જવું હોય, તેની સાથે જઈ શકે છે.  
 
દુઃખ, ગ્લાની અને શોક્ગ્રત સીતાજીએ અગ્નિ-સ્નાન કરવાનું નક્કી કર્યું હતું.  જે રામ અહલ્યા માટે કરુણાનિધાન બન્યા હતા, તે જ રામ સીતાજી માટે નિર્દય બની તેમને અસહાય દશામાં છોડી રહ્યા હતા.  સીતાજી ને અગ્નિની પ્રદક્ષિણા કરતા જોઈ બધા કરુણાથી આસું વહાવી રહ્યા હતા પણ શ્રી રામ કઠોર વદને બેઠા હતા.  

સીતાજી ના હ્રદયના તાપ ને જોઈ અગ્નિ તપ્ત થઇ ગયા અને સીતાજી ને બાળવા અસહાયતા દર્શાવી.  દેવો, રાજા દશરથ સમેત, લંકા પધારી રામને સમજાવવા લાગ્યા.  જો યુગ પુરુષ સ્વયં ધર્મ, ધૈર્ય, ન્યાય અને કરુણા નો ત્યાગ કરે, તો સાધારણ મનુષ્ય નું શું?  શ્રી રામને વિષ્ણુના અવતાર હોવાની પણ યાદ આપી, પણ શ્રી રામ કેવળ મનુષ્ય હોવા નો, દશરથ-આત્મજ હોવાનું જ માન્ય રાખ્યું હતું.  બહુ સમજાવટ પછી શ્રી રામ સીતાજી ને પત્ની તરીકે અપનાવી શક્યા હતા. 

કચવાતે મને કરલો આ મન મેળાવ વહેલી તકે, પહેલીજ પરીક્ષામાં તૂટી ગયો.  એક અબુધ ના વચનને 'લોકમત' માની, શ્રી રામે સીતાજીને વગર વાત કરે, વગર કોઈની સલાહ લીધે, ઘોર જંગલમાં, ગર્ભાવસ્થા માં જ ત્યાગી દીધા.  
આ અન્યાય આજે પણ ભારતીય સ્ત્રીઓ પર થઈ રહ્યો છે.  સમાજ, લોક-લાજ, લોક-મત ના નામે આજે પણ અસંખ્ય સ્ત્રિયો અન્યાય નો ભોગ બની રહી છે.  દુઃખ ની વાત છે કે રાજા રામ ના નામે આ અન્યાય આજે પણ ન્યાય તરીકે ખપાય છે. 
જયારે રાજા રામ નો અન્યાય અશ્વમેધ યજ્ઞ ના તેજ અને તાપ માં છતો થયો, ત્યારે પણ શ્રી રામ પોતાની ભૂલ કબુલ કરવા તૈયાર ન થયા.  ત્યારે પણ તે સત્યના પારખા કરવા તત્પર થયા.  દેખીતા સત્ય ની સામે રાજા રામે શંકા નિવારણ ની માંગ કરી.  પુનઃ અગ્નિ સ્નાન અને અગ્નિ પરીક્ષા ની માંગ કરી.
સ્વમાની સીતાજીએ શ્રી રાજા રામ ના ન્યાય અને અન્યાય નો ત્યાગ કર્યો.  જયારે દયાનિધાન દયાહીન થાય, ત્યારે દયા ની માંગ ક્યાં કરવી?  આ ઘોર અન્યાય સામે ધરણી નું ધૈર્ય ખૂટી ગયું.  ધરતી નું કાળજું ફાટી ગયું.  સીતાજી રામ રાજ ત્યજી ચાલ્યા ગયા.

પણ, આજે પણ સ્ત્રી જાતિ આ અન્યાય ભોગવી રહી છે કારણ કે શ્રી રાજા રામે આ અન્યાય કર્યો હતો.  આજે પણ આપણો સમાજ આ અન્યાય 'પરંપરા' ના નામે વારંવાર કરે છે.  આપણા ચલચિત્રો, ટી.વી. સીરીયલો, નવલ કથાઓ આ અન્યાય ને વારંવાર દોહરાવે છે.  કોઈ એનો પ્રતિકાર નથી કરતુ, પણ મુક સ્વીકાર કરે છે.  આજ કારણે હું કહું છું કે શ્રી રામ આદર્શ પુરુષ જરૂર હતા, પણ એમના અમુક આદર્શો આજે પણ ઘણા લોકો માટે બોજારૂપ બની ગયા છે.


                                                            Return to Index

                                                            Return to Bhagwat's main page

                                                            Return to ShriNathji's Haveli 

© Bhagwat Shah
[email protected]