ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

 

રામદાસ સાંચોરા

 

તેઓ શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક હતા.
બાળપણથી
તેમને વૈરાગ્યભાવ જાગી ઉઠેલો પણ અવસ્થા નાની હોવાથી, ફરી સંસાર સંગમાં પડે તેવી સ્થિતિ હોવાથી, શ્રી મહાપ્રભુજીએ તેમને નામ-નિવેદન કરાવી પોતાની પાસે રાખવાનો વિચાર કર્યો.

આચાર્ય શ્રી મહાપ્રભુજી દ્વારિકાથી પૃથ્વી પરિક્રમા પધાર્યા, ત્યારે રામદાસજીને સાથે લીધા. રામદાસજી રસોઈની બધી પરચારગી અને નાની મોટી ટહેલ કરતા. આચાર્ય શ્રી રામદાસજીની પરીક્ષા કરવા કોઈવાર થોડું અથવા એક રોટલી ધરે, પરંતુ જરાપણ ફરિયાદ કર્યા વગર, તેઓ હસતે મુખે સ્વીકારી લે.

રસ્તે ચાલતા રામદાસજી હંમેશા આગળ રહે. માર્ગમાં જ્યાં પણ કાંટા દેખાય ત્યાં ઊભા રહી જાય, અને તમામ કાંટાઓ વીણી લે, અને રસ્તો બરાબર કરતા જાય, જેથી પાછળ આવતા શ્રી મહાપ્રભુજીના ખુલ્લા ચરણારવિંદને કોઈ કષ્ટ થાય. એક દિવસ રામદાસના પગમાં મોટો કાંટો વાગ્યો, રામદાસે વિચાર્યું કે જો હું મારા પગમાંથી કાંટો કાઢવા રહીશ તો આચાર્યશ્રી મારા માટે ઊભા રહેશે, તે સારું કહેવાય, અને જો શ્રી મહાપ્રભુજી આગળ આગળ ચાલતા રહેશે, તો આગળ માર્ગમાં ઘણા કાંટા છે. અને કોઈ કાંટો આપના ચરણકમળમાં વાગી જાય તો? એવું થાય તો મારો ધર્મ જાય. તેથી પગનો કાંટો કાઢ્યા વગર આગળ ચાલતા રહ્યા.

તેમના સેવક ભાવથી શ્રી મહાપ્રભુજીને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે રામદાસજીને આજ્ઞા કરીને કહ્યું કે રામદાસ તારા પગનો કાંટો કાઢી લે. તેમ કરવાથી તને કોઈ અપરાધ નહીં લાગે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માથે ચઢાવીને રામદાસે પગમાંથી કાંટો કાઢી લીધો.

આવા અનાસક્ત શ્રી વલ્લભચરણાનુરાગી ઉત્તમ સેવક રામદાસને વંદન કરીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
purvifoods@hotmail.com

Return to the varta index

Return to main courtyard of the Haveli