શ્રી વલ્લભસાખી

 

સુધાપાન શ્રી વલ્લભ સાખી તણું

પ્રિય સખી

પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે, શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ

નિજજનો પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ નેહ

શ્રી વલ્લભ શ્રી વ્રજપતિ પદ નેહ .

શ્રી કૃષ્ણના જન્મદિવસે જેટલો આનંદ-વધઈ વ્રજવાસીઓ દ્વારા મનાવવામાં આવે છે, તેનાં કરતાં દ્વીગુણીત આનંદ વ્રજભક્તો સ્વામિનીજીના જન્મદિનની વધાઈ મનાવવામાં માને છે. પરંતુ પ્રભુ શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજી બંનેના આનંદની વધાઈ કરતાં પણ ત્રિગુણિત વધાઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો શ્રી વલ્લભના પ્રાગટય દિને મનાવે છે. કારણ કે પ્રિયા પ્રિયતમ બંને યુગલ સ્વરૂપમાંથી જે એકત્વ ધરાવતું સ્વરૂપ પ્રગટ થયું તે શ્રી વલ્લભ છે.

શ્રી વલ્લભ સાક્ષાત્ શ્રીકૃષ્ણના પૂર્ણ આવિર્ભાવ છે. જેમ સનકાદિ, કપિલ, કૂર્મ-વરાહ આદી અવતારો અંશાવતાર છે, એમ શ્રી વલ્લભ અંશ અવતાર રૂપ નથી પરંતુ પૂર્ણરૂપ અવતાર છે. તફાવત માત્ર એટલો છે કે શ્રીકૃષ્ણ અવતારમાં મર્યાદા તેમજ  પુષ્ટિ બંને લીલાઓ છે, જયારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેવળ  પુષ્ટિ નિજજન જીવોના પુષ્ટિમાર્ગીય મનોરથોને સિદ્ધ કરવા માટે થયું છે. સખી અહીં તને સવાલ થશે કે પુષ્ટિ નિજજન કોણ છે? વ્રજ સાહિત્યમાં પુષ્ટિ અને નિજજનો બંનેના અર્થ જુદા જુદા બતાવેલા છે.

પ્રથમ શબ્દ પુષ્ટિ એટલે - ભગવાનની કૃપા જ્યાં સાધન તથા પ્રયત્ન સિવાય કેવળ અને કેવળ અનુગ્રહથી જીવને જે ફળદાન કરવામાં આવે છે તે પુષ્ટિ છે. માર્ગમાં રહેલો જીવ માત્ર ઈશ્વરના અનુગ્રહથી કે ભક્તિથી તરી શકે છે, વૈદિક સાધનોથી નહિ અને બીજો શબ્દ "નિજજન", એટલે, જે ભક્તજન શ્રી વલ્લભને સદાય પ્રગટ જાણે છે તે. શ્રી વલ્લભ હતાં તેમ નહીં, પરંતુ શ્રી વલ્લભ સાક્ષાત પ્રગટ છે તેથી, જે કંઇ પણ થાય છે, કે જે પણ કંઇ થઈ રહ્યું છે, તે સર્વસ્વ શ્રી વલ્લભની પ્રગટ લીલા છે. તે માનનારા ભક્તજનો, તે શ્રી વલ્લભના નિજજનો છે. જેમના પર શ્રી વલ્લભની કૃપા સદાય અવિરત દૂધની ધારા બનીને વહેતી રહે છે. તેથી વ્રજવાસીઓ, ૮૪ અને ૨૫૨ વૈષ્ણવો નિઃશંક પણે સદાય ગાય છે, કે, શ્રી ઠાકુરજી  તથા વાક્પતિ શ્રી વલ્લભ બંને એક સ્વરૂપ  હોવાથી, તેમને શ્રીવલ્લભના સ્વરૂપમાં પૂર્ણપૂરૂષોત્તમ-પ્રભુ  શ્રીઠાકુરજીના દર્શન થાય છે. જે રીતે શ્રી ઠાકુરજીએ જ્યારે શ્રી ગિરિરાજજી ધારણ કરીને વ્રજવાસીઓને પોતાની નિરોધ લીલાનું દર્શન કરાવ્યું હતું, તેમ, વાક્પતિ શ્રી વલ્લભે  પણ, પોતાના નિજજનોને  નિરોધનું દાન કરીને અલૌકિક નિજાનંદનું રસપાન કરાવ્યું  છે. ચતુઃશ્લોકી  દ્વારા વાક્પતિ શ્રી વલ્લભ ગુરૂચરણે  પોતાની દૈવી  સૃષ્ટિમાં રહેલાં  નિજજનોનું શું કર્તવ્ય હોય શકે તે દર્શાવેલ છે.

પ્રભુ જે રીતે પોતાના ભક્તને સુયોગ્ય બનાવી આનંદનું દાન આપે છે તેમ શ્રી વલ્લભ આપની કૃપા દ્વારા, પુષ્ટિ ભક્તોને મહાભાગ્યનું દાન આપે છે .સદાય પુષ્ટિ જીવોના સુખ અને આનંદનું ધ્યાન રાખનારા આવા પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ શ્રી લક્ષ્મણ સુત તરીકે પ્રગટ  થયા છે. તેનાથી અધિકતમ આનંદ કોઈ હોય શકે. સખી પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ, જે દ્વિજ કુલમાં શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે તે આનંદને આપણે ઉરમાં લઈને સાથે સાથે વધાઈ પદ ગાતા ગાતા કૃષ્ણ કેડી પર 35મી ટૂંક તરફ  આગળ વધીશું ?? કારણ કે આપણે બ્રહ્મની વાત કરી રહ્યાં છીએ  છે જેમના ચરણ કમળોનું આપણે  આઠેય પહોર  ધ્યાન ધરીએ છીએ .

बधाई पद

द्विज कुल प्रगटे श्री हरि सुंदरता की रास

परम पुनीत एकादशी धन्य धन्य माघो मास

लग्न नक्षत्र वर शोध के बैठे द्विजवर आय

श्री लक्ष्मण भट्ट मनमोदसों  दीनी बहुविध गाय

फुले द्रुम और वेली फूली सरस वनराय

निजजन फूले निरख के रहस्य वधाई पाय .

પૂર્વી મલકાણ મોદીના જય શ્રી કૃષ્ણ 

© Purvi Malkan
[email protected]

 

Return to the Festival index

Return to main courtyard of the Haveli