સનાતન વૈદિક ધર્મ ખુબ વિશાલ હૃદયનો છે. સ્ત્રી / પુરુષની
વ્યાખ્યા કેવળ લિંગ દેહ ને લાગુ પડે છે, આત્માને નહિ. ધર્મ આત્મા સાથે સંકળાયેલો
છે. લિંગ દેહ જનમો-જનમ બદલાયે છે, આત્મા તો એક જ રહે છે. આત્મા સ્વતંત્ર છે, તો
એનો ધર્મ પણ સ્વતંત્ર છે. આ સનાતન તત્વ ની વાત છે જે સર્વ ધર્મ શાસ્ત્રો માં વિદિત
છે.
ધર્મની વ્યાખ્યા સંકુચિત નથી. દેહ ના ધર્મો લિંગ દેહ ને લાગુ
પડે છે. પુત્ર, પિતા, પતિ, પત્ની, માં, જમાઈ, વહુ, નોકર, માલિક, મિત્ર,
શત્રુ, નાગરિક, મનુષ્ય વગેરે આ બધા ધર્મો લિંગ દેહે ને દેશ, કાળ અને પરિસ્થિતિ
પ્રમાણે લાગુ પડે છે. આત્માનો ધર્મ મોક્ષ ને અનુલક્ષી ને છે. આમાં સાંપ્રદાયિક
ધર્મો નો સાથ લઈ કોઈ પણ પોતાની મતિ / રતી પ્રમાણે આગળ વધી શકે છે. પણ યાદ રહે,
દેહ ના ધર્મો અને સાંપ્રદાયિક ધર્મો અલગ વસ્તુ છે. સામાન્ય રીતે આપણે આ બંનેને
જોડી દઈએ છે - જે ખોટું છે.
સનાતન ધર્મના સંસ્કાર પ્રમાણે સ્ત્રી ધર્મ ની બાબત માં સ્વતંત્ર
છે.
લગ્ન વખતે, અગ્નિની સાક્ષીએ ચાર ફેરા ફરવામાં આવે છે. આ ચાર
ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના લક્ષો અમે બંને કેવી રિતે પુરા પાડશું તેનું
પ્રતિક છે.
પહેલા ત્રણ ફેરામાં પુરુષ આગળ જાય છે. આ પ્રતિક છે કે સ્ત્રી
ધર્મ, અર્થ અને કામ માં, પતિ ને અનુસરશે. અહી ધર્મ એટલે લિંગ દેહ ના ધર્મ ની વાત
છે. પત્ની કહે છે, તમે જે પ્રમાણે કહેશો, તે પ્રમાણે હું તમારા સબંધીઓ સાથે રહીશ.
ગૃહસ્થાશ્રમના ધર્મો તમે કહેશો, તે પ્રમાણે પાળીશ. તમે જેટલા પૈસા લાવશો, તેટલા
માંથી ઘર ચલાવીશ. તમે કહેશો તે પ્રમાણે જીવનમાં મોજ મજા કરીશું.
પણ, છેલ્લો ફેરો અલગ છે. ત્યાં સ્ત્રી આગળ છે અને પુરુષ પાછળ
છે. આમ જોવા જાવ, તો પુરુષ કહે છે, મોક્ષ માર્ગે તું કહેશે તે પ્રમાણે કરીશ!!!!!
આમે ઘર માં સ્ત્રીઓજ સંસ્કૃતિ અને સનાતન ધર્મનું વધારે પાલન અને પોષણ કરતા હોય છે.
છેલ્લા ફેરા માં આગળ રહી, સ્ત્રી કહે છે, મોક્ષ ના માર્ગે આપણે સ્વતંત્ર છીએ.
જનમોજનમ ની સાધના એક જનમ માટે કેવી રીતે છોડાય?
આપણે ત્યાં દેહ ના ધર્મપાલન માટે ઘણા બધા બંધનો છે.
આપણે ત્યાં સાંપ્રદાયિક ધર્મપાલન માં કોઈ બંધન નથી.
એકજ ઘર માં શૈવ, વૈષ્ણવ, શાક્ત, સ્માર્ત અને નાસ્તિક આરામ થી
રહી શકે છે. હા, સંપ્રદાયની મર્યાદા ને અનુલક્ષીને બધા પોત પોતાની સેવા પૂજા અલગ
જરૂર રાખે, પણ રહી શકે. જો બધા એક બીજા ની આસ્થા માં ડખલ ના કરે તો બધા સંસાર અને
સાધના શાંતિ થી આગળ વધી શકે છે.
અંગત રીતે, પત્નીએ પતિનો સંપ્રદાય અપનાવો કે નહિ એ એમના પર
આધારિત છે. આમાં કોઈ નો દબાવ ન ચાલે. દબાવીને, મારી મચોડીને, જબરજસ્તીથી કરાવેલો
'ધર્મ' કોઈનું કલ્યાણ નથી કરતુ. ઘણા લોકો લગ્ન પછી સાસરીયા નો 'ધર્મ' પાળે છે જેથી
ઘરમાં કંકાસ ઓછો થાય, રસોઈ માં તકલીફ ન પડે અને કોઈ મહારાજ, સાધુ, સંત આવે તો
પ્રસાદ લેવા / લેવડાવવા માં સરળતા રહે. પણ આ તો સંસારિક ઉકેલ છે, સંકૃતિક
નહિ. સંસ્કૃતિ તો કહે છે, સર્વ ને પોતાની સાધના પોતાના (ગત જન્મ ના) સંસ્કાર અને
પોતાની ઈચ્છા પ્રમાણે કરવા દેવી જોઈએ.
જો બધા શાંતિ થી એક મેક ની ઈચ્છા ને માન આપી ને જીવે, તો કાંઈજ
વાંધો નથી આવતો, પણ જો એમ ના થાય, તો ઝગડો થાય.
ઘર માં વૈમનસ્ય ન થાય તે માટે લોકો પોતાનીજ નાત / જાત / ધર્મમાં
જ લગ્ન કરવાનો આગ્રહ રાખતા હોઈ છે. ખેદ ની વાત છે, આવું કર્યા પછી પણ ઘર ઘર માં
ખાવાપીવા, પહેરવા ઓઢવા અને ધર્મ ની બાબતે વિચાર ફેર હોય છે.
© Bhagwat Shah
[email protected]