આરોગ્ય

 

sent by Chandra Gadhvi [email protected]

આપણે ત્યાં એક સરસ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.આ કહેવતમાં શરીરને તંદુરસ્ત રાખવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે. શરીરના આરોગ્યની જાળવણી માટે કેટલીક વાતો ટૂંકી કવિતા કે પંક્તિરૂપે અને યાદ રહી જાય તે સ્વરૂપમાં રચવામાં આવતી અને તે દરેક જુની પેઢી તેની નવી પેઢીને આપ્યા કરતી. 

આ પંક્તિઓમાં સ્વસ્થ રહેવાના ખૂબ સાદા નિયમો વણી લેવામાં આવતા. અને જો તેનું પાલન કરવામાં આવે તો બહુ જ સ્વભાવિક રીતે શરીર નરવું રહે તેમ અનુભવીઓ અધિકારપૂર્વક કહે છે. નાનપણમાં મારી બાપાસેથી આવી અનેક કંડિકાઓ સાંભળી છે. એટલી બધી વાર સાંભળી છે કે લગભગ કંઠસ્થ થઈ ગઈ છે. આ પંક્તિઓમાં આરોગ્ય અંગેની જે ધારદાર વાતો કરવામાં આવી છે તે અહીં યથાતથ મુકવી છે.

‘ ‘મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કરતો માણસ ઉઠાડું માંદું.
‘ ‘તાવ કહે તુરિયામાં વસું, ગલકા દેખી ખડખડ હસું, ખાય દહીં-મૂળો ને ખાટી છાશ તેને ઘેર મારો વાસ.
‘ ‘લીમડા દાતણ જે કરે, નરણે હરડે ખાય,દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય.
‘ ‘આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ.
‘ ‘દૂધી કહે હું લાંબી લિસ્સી, દિલ મારું છે છાલ, સ્વાદ ને બળ લાવવા, નાખ ચણાની દાળ.
‘ ‘મધ સ્વાદે મિષ્ટ પણ ખાવું નહીં ઘણું,વીસ ગ્રામ બાળકને અને પુખ્તવયનાને બમણું.
‘ ‘ફૂદીનો સુંગધીદારને રુચિકર પણ ઘણો,કફનાશક ને વળી કામનાશક પણ ઘણો.
‘ ‘વરિયાળી મુખવાસ કે ભૂખ જરા હળવાશ,કફનાશક ગરમ કોઠા મહી આશિષ સમી છે એ.
‘ ‘કૂણી કૂણી કાકડી ને ભાદરવાની છાશ,તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.
‘ ‘આંબલિમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ,લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ.
‘ ‘મરડો માઠો રોગ, ઘણી વેદના થાય,હરડે-સાકર ચૂર્ણની પાંચ ફાકીએ જાય.
‘ ‘જંતુનાશક ફટકડી, રસનાયિક ગુણવાન,સ્વાદે તૂરી હોય છે, કમ દામ ને મૂલ્યવાન.
‘ ‘બલિહારી તુજ બાજરી જીના લાંબાં પાન, પાંખું આવીયું, બુઢા થયા જવાન.
‘ ‘રાતે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર,બલ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર.
‘ ‘ચા-કોફી ને કોકો વહેલી પડાવે પોકો,ના સમજે તેને રોકો, જરૂર પડે તો ટોકો.
‘ ‘પીળા રંગની રસોઈની હળદર,વાત-પિત્ત, કફ પર થાય દમદાર.
‘ ‘ભોજન પહેલાં સદા પથ્ય આદુ લવણ-મિશ્રિત, લગાડે ભૂખ, રુચિ દે, દે કંઠ જીભે વિશુદ્ધતા.

ઉપરની ૧૭ કંડિકાઓમાં આખુંય આરોગ્ય વિજ્ઞાન સમાઈ જાય છે. હકીકતમાં તો આપણને આપણા રસોડામાં જે દાળ-કઠોળ ઉપલબ્ધ છે તેની ઉચ્ચ ગુણવત્તાની સાચી માહિતી જ નથી.

નાનપણમાં બા બટેટાનું છાલવાળું શાક કરતી અને કહેતી કે બટેટું જે નુકસાન કરે તે તેની છાલ નિમૂgળ કરે.મગની ફોતરા વગરની દાળની ગુણવત્તાની તો શું વાત કરવી? આવી દાળનો એક વાટકો પીઓ તો એક ઈંડાંમાંથી જેટલી તાકાત મળે એટલી તાકાત આ દાળમાંથી મળે.

દાંત માટે મીઠાનો ઉપયોગ એ રામબાણ ઉપાય છે. આધુનિક બ્રશ કરતાં લોકોને એક સૂચન કરવું છે. સવારે બ્રશને સહેજ ભીનું કરી તેના પર સૌપ્રથમ થોડું મીઠું ભભરાવીને તે પર પેસ્ટ લગાડ્યા પછી બ્રશ કરી જોજો. દાંતને વિશેષ ચળકાટ આપોઆપ મળશે અને મજબૂતી પણ પ્રાપ્ત થશે.

આપણું આરોગ્ય આપણા રસોડામાં અને આપણી આસપાસ જ વીંટળાઈને ઊભું છે, પણ આપણને તેની ખબર નથી. આ તમામ કંડિકાઓ પાસે એકવાર નિરાંતે ઊભા રહીને તેનું મનન કરવા જેવું છે. જો બરોબર સમજાય અને તેનો ઉપયોગ થાય તો જીવન માટે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. 

દા.ત. ઉપરની જ એક પંક્તિ મમળાવીએ. આંબલિમાં ગુણ એક છે, અવગુણ પુરા વીસ, લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ.લીંબુની એક વિશેષતા એ છે કે તે ખાટું હોવા છતાં ખટાશની એકપણ આડઅસર ધરાવતું નથી. દા.ત. એસીડિટીના દર્દી પણ જો લીંબુનું સેવન કરે તો તેને એસીડિટી ન થાય. આ ઉપરાંત ભૂખ પણ ખૂબ લગાડે.

 

Health Index

Bhagwat's pages

Return to ShriNathji's Haveli