વામન જયંતી

ઘનશ્યામ ગોસ્વામી

ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસ તિથિ એ વામન દ્વાદશી અથવા વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે."શ્રીમદ ભાગવત મહાપુરાણ"અનુસાર જે સમયે વામન ભગવાને જન્મ ગ્રહણ કર્યો તે સમયે ચન્દ્ર શ્રવણ નક્ષત્ર પર હતો. તે વખતે ભાદ્રપદ માસની સુદ પક્ષની શ્રવણ નક્ષત્રવાળી બારસ હતી. અભિજિત મુહૂર્તમાં ભગવાનનો જન્મ થયો હતો અને સઘળા ગ્રહ, નક્ષત્ર તથા તારાઓ ભગવાનના મંગલમય જન્મને સૂચિત કરી રહ્યા હતા. તે વખતે વિજ્યા દ્વાદશીની તિથિ હતી અને સૂર્ય આકાશની મધ્ય ભાગમાં આવેલો હતો.

આ દિવસે કેટલાક લોકો વ્રત પણ કરે છે, જેનું વિધાન આ પ્રમાણે છે. વામન દ્વાદશીનું વ્રત કરનાર વ્રતીએ દ્વાદશીના દિવસે મધ્યાહ્નના સમયે ભગવાન વામનનું ષોડ્શોપચારપૂર્વક પૂજન કરવું તથા વામન ભગવાનની કથાનું શ્રવણ કરવું. તે પછી એક માટીના પાત્રમાં દહીં, ચોખા અને ખાંડ મૂકીને તે બ્રહ્મણોને દાન કરી દેવું. આ દિવસે ફળાહાર કરીને બીજા એટલે કે તેરસના દિવસે પારણાં કરવાં.

 

વ્રતની કથા આ પ્રમાણે છે

સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર જમાવી દીધો. સમસ્ત દેવતા સ્વર્ગ ભ્રષ્ટ થઇ જતાં ઇન્દ્રને આગળ કરીને ભગવાન વિષ્ણુની પાસે ગાય અને પોતાની આપત્તિ દર્શાવી. આ સાંભળી ભગવાનને કહ્યું કે, ‘હું સ્વયં દેવમાતા અદિતિના ગર્ભમાંથી જન્મ લઇ તમને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવીશ.’ ભગવાનની આવી વાણી સાંભળીને સઘળા દેવગણ ખુશ થઇ દેવમાતા અદિતિ પાસે જઇ ભગવાનના અવતારની પ્રતિક્ષા કરવા લાગ્યા. આ બાજુ રાજા બલિએ ભૃગુવંશી બ્રાહ્મણોને લઇને નર્મદા નદીના કિનારે અશ્વમેધ યજ્ઞા પ્રારંભ કર્યો.

બીજી તરફ ભગવાના અવતારનો સમય જાણી સઘળા ગ્રહો અને નક્ષત્રો પોતપોતાની શુભ સ્થિતિઓમાં આવી ગયા. આકાશમાં શંક, ઢોલ, મૃદંગ વાગવા લાગ્યાં અને આ રીતે ભગવાન શ્રીહરિનો ભાદ્રપદ માસની સુદ પક્ષની બારસે વામન અવતારરૃપે જન્મ થયો.

બલિરાજા અશ્વમેધ યજ્ઞા કરાવી રહ્યા છે તે ભગવાને જાણ્યું ત્યારે તેઓ બાલબ્રહ્મચારીના વેશમાં બલિની યજ્ઞાશાળાએ પહોંચ્યા. તેમના તેજોમય સ્વરૃપને જોઇને બલિએ અર્ર્ઘ્ય, યાદ્ય, આસન આપીને તેમનું ષોડ્શોપચાર પૂજન કર્યું તથા ચરણો ધોયાં. તે પછી તેમની વંદના કરી બલિ બોલ્યા, ‘હે બ્રાહ્મણકુમાર! આપ ગાય, સુવર્ણ, ભૂમિ, રથ, અશ્વ, ગજ વગેરે જે પણ કંઇ જોઇએ તે માગી લો.’ વામન ભગવાને કહ્યું, ‘હે દેવેન્દ્ર! આપ ભક્ત પ્રહલાદના વંશજ છો અને મોં માગી વસ્તુઓ આપવામાં શ્રેષ્ઠ છો. એટલા માટે આપની પાસે થોડીક પૃથ્વી એટલે કે ત્રણ ડગલાં પૃથ્વી માગું છું. આનાથી વધારે કશું જ માગીશ નહિ, કેમ કે આવશ્યક્તા કરતાં વધુ માગવું એ એક પાપ છે.’

ભગવાનની વાત સાંભળીને બલિ રાજાએ હસતાં કહ્યું, ‘ઠીક છે બ્રાહ્મણકુમાર, જેટલી તમારી ઇચ્છા હોય તેટલું લઇ લો.’ તે વખતે દૈત્યગુરુ શુક્રાચાર્યે તેમને વરદાન આપતાં રોક્યા અને કહ્યું કે, ‘માગણી કરનાર સ્વયં ભગવાન શ્રીહરિ છે. તેઓ ત્રણ ડગલાંમાં સઘળું બ્રહ્માંડ માગી લેશે.’ ગુરુના આ વચન પર બલિએ કહ્યું, ‘જેમના માટે યજ્ઞા-યજ્ઞાદિ કરવામાં આવે છે તેવા ભગવાન વિષ્ણુ જો જાતે જ ઉપસ્થિત હોય અને દાનપ્રાપ્તિની ઇચ્છાએ વરદાન માગતા હોય તો હું અવશ્ય આપીશ.’ આ સાંભળી શુક્રાચાર્ય ક્રોધે ભરાયા અને બલિને શાપ આપ્યો કે, ‘મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે તમે શ્રીહીન થઇ જશો.’

જ્યારે બલિ દાન આપવા માટે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા લાગ્યા ત્યારે દેવતા, ગંધર્વ વગેરે તેમની પ્રશંસા કરતાં દિવ્ય પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. તે પળ ભગવાન વામને પોતાના એક ડગલાથી સઘળી પૃથ્વી અને બીજા ડગલાથી સઘળાં લોક માપી લીધાં તથા ત્રીજું ડગલું બલિના મસ્તક પર મૂકીને બલિને સુતળ લોકનો સ્વામી બનાવી દીધો. તેમના રક્ષણ માટે સુદર્શન ચક્રની નિમણૂક કરી દીધી. રાજા બલિએ સદા દર્શન આપવાનું વરદાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરી લીધું.
વામન ભગવાનના આ અદ્ભુત અવતારના ચરિત્રનું શ્રવણ કરનાર પરમ ગતિને પ્રાપ્ત કરે છે. 

 

Video of Vaman Dwadashi - http://www.youtube.com/user/bhagwatshah?feature=mhum#p/u/16/cAv1WOYHS94

Rajbhog on Vaman Dwadashi - http://www.youtube.com/watch?v=5Ujduj5aE8Y&feature=related

 

© ઘનશ્યામ ગોસ્વામી

 

Return to index

 Return to the main Courtyard