ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


જગતાનંદ થાનેશ્વરના

 

તેઓ થાનેશ્વરના સારસ્વત બ્રાહ્મણ હતા.
બાર વર્ષની ઉંમરે કાશી જઈને ખૂબ શાસ્ત્રો પુરાણો વગેરે ભણી વિદ્વાન પંડિત બન્યા.
પછી થાનેશ્વર આવીને સરસ્વતી નદીના તીરે બેસીને શ્રીમદ્ ભાગવદની કથા કહેતા હતા, અને તેનાથી જે આવક થાય તેનાથી પોતાનો નિર્વાહ કરતાં હતા.

એકવાર શ્રી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા સરસ્વતી નદીમાં સ્નાન કરી પ્રાતઃસંધ્યા પૂરી થયા પછી કિનારા પર બિરાજી સરસ્વતીનદીના ઉઠતાં તરંગો જોઈ નૈસર્ગિક સૌંદર્યને પોતાના હૃદયાસન પર બિરાજી રહેલા શ્રી ઠાકુરજી સાથે વહેંચી રહ્યા હતા. એટલામાં જગતાનંદ ત્યાં આવ્યા, અને નિત્ય નિયમ મુજબ શ્રીમદ્ ભાગવદ કથા કરવા લાગ્યા. તે સમયે તેમની દ્રષ્ટિ સરસ્વતી નદી તીરે બિરાજી રહેલા શ્રી મહાપ્રભુજી તરફ ગઈ, અને શ્રી મહાપ્રભુજીને પંડિત જાણી તેમની સાથે ચર્ચા વિચારણા કરવા લાગ્યા.

અને શ્રી મહાપ્રભુજીને વેણુગીતનો “प्रायो बताम्ब विहगा”........શ્લોક સંભળાવી તેનો સામાન્ય શબ્દાર્થ સમજાવવા લાગી ગયા. અને શ્રી મહાપ્રભુજીને પૂછવા લાગ્યા કે, આ શ્લોકનો કોઈ બીજો અર્થ આપ જાણો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આપ વ્યાસાસને બિરાજો છો તેથી અમે આપને બીજો અર્થ શી રીતે સમજાવીએ? આ સાંભળી જગતાનંદે પોતે વ્યાસાસન પરથી નીચે ઉતરી શ્રી મહાપ્રભુજીને વ્યાસાસને પધારવા વિનંતી કરી. આચાર્યશ્રી એ આસન ગ્રહણ કરી તે શ્લોકના શ્રી સુબોધિનિજીના વિવિધ અર્થ સમજાવવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ સવારથી  વ્યાખ્યાન શરૂ કર્યું હતું તે ત્રણ પ્રહર સુધી ચાલ્.યું પછી આચાર્યશ્રી કહેવા લાગ્યા કે હવે તમને ભૂખ લાગી હશે તેથી આપણે વિરામ કરીએ પછી વ્યાખ્યાન આગળ ચાલુ કરીએ. આથી જગતાનંદ પૂછવા લાગ્યા કે, આ વ્યાખ્યાન કેટલા સમય સુધી ચાલશે ? આચાર્યશ્રીએ કહ્યું કે આ શ્લોક નો અર્થ તો સમજવા માટે 2 થી 3 મહિના લાગે આ સાંભળીને જગતાનંદ હતપ્રભ થઈ ગયા !

અને તેઑ વિચારવા લાગ્યા કે જે શ્લોક નો અર્થ સમજાવતા આટલો લાંબો સમય થાય છે, તો સમજતા કેટલો સમય લાગે ? આ કોઈ મારાથી પણ મોટા વિદ્વાન છે, તેમને શરણે જાઉં તો સારું, કારણ કે તેમણે મારા મનમાં રહેલા સૂક્ષ્મ અહંકારને તોડ્યો છે. આમ વિચારી જગતાનંદે શ્રી મહાપ્રભુજીને પોતાને શરણે લેવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમની દિનતા નિહાળી તેમને નામ નિવેદન કરાવ્યું, અને બ્રહ્મસંબંધ આપી, તેમને કૃતાર્થ કર્યા.

શ્રી મહાપ્રભુજીના સંગ લઈ કૃતાર્થ થઈ ગયેલા જગતાનંદજીને આપણે વંદન કરીએ.

 

 

પૂર્વી મલકાણ મોદી
© Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli