ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

ગોવિન્દ દૂબે

 

તેઓ દ્વારિકાલીલામાં સત્યભામાજીના સખી હતા.
એમનું લીલામાં નામ તનમધ્યા હતું. એમનું સ્વરૂપ ખૂબ સુંદર હતું.

એક દિવસ શ્રી ઠાકુરજી સત્યભામાજીના મહેલે પધાર્યા, ત્યારે તન્મધ્યાએ શ્રી ઠાકુરજીને કહ્યું કે, "હું આપની દાસી છું. આપ કોઈ દિવસ કૃપા કરીને મારે ઘરે પધારો." પોતાની સખી તનમધ્યાની વાત સત્યભામાએ સાંભળી, ત્યારે તેમને તનમધ્યા પર ઘણો ગુસ્સો આવ્યો. અને તેમણે તનમધ્યાને શ્રાપ આપીને કહ્યું કે, "તું અમારી બરાબરી કરે છે !તારા જેવો જીવ દ્વારિકામાં રહેવાને લાયક નથી, માટે જા ભૂમિ પર જઇને પડ." ત્યારે તનમધ્યા લીલામાથી પડી.

જન્મ ઉપર જન્મો ધારણ કરતાં કરતાં તેનો જન્મ ખેરાળું ગામમાં સાંચોરાને ત્યાં થયો. ગોવિંદ દૂબે મોટા થયા ત્યારે તેમણે પોતાના માતા પિતાને કહ્યું કે મારે તીર્થ કરવા જવું છે. ત્યારે માતાપિતાએ કહ્યું કે, તું ઘરમાં માત્ર એક પુત્ર છો, અને તું જો તીર્થ કરવા જતો રહેશે તો અમારું ધ્યાન કોણ રાખશે ? વળી અમારો ક્ષણભંગુર દેહ છે ક્યારે પડી જાય તે કહેવાય નહીં, માટે અમારું મૃત્યુ થાય પછી જ તું તીર્થ યાત્રા કરવા જજે.

સાંભળીને ગોવિંદ દુબે કહે કે, "જો દેહ ક્ષણભંગુર હોય તો, મારે તરત દ્વારિકાધીશજીના દર્શને જવું જોઈએ. માતપિતા કહે કે, તારી સાથે વાતોમાં અમે જીતીએ. તારું મન હોય તેમ કર.

ત્યાર પછી ગોવિંદ દૂબે દ્વારિકા આવ્યા અને દ્વારિકાના રાજા રણછોડરાયજીના દર્શન કરી મનમાં ખૂબ સુખ પામ્યા. તેઓ દ્વારિકામાં ત્રણ વર્ષ રહ્યા. ત્યાં તેમને ખબર પડી કે તેમના માતા પિતાએ દેહ છોડયો છે. ત્યારે તેમણે માતપિતાનું ગયા જઇ શ્રાધ્ધ કર્યું. અને ત્યારબાદ તેઓ ગયાથી તીર્થપરિભ્રમણ માટે કાશી ગયા. મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરી સંધ્યાવંદન કરતા હતા, તે સમયે તેમને આચાર્યશ્રીનાં દર્શન થયા. તેમના દર્શન કરતાં તેમણે જાણ્યું કે કોઈ મહાપુરુષ છે. હું તેમની પાસે જઈ કંઈક ગ્રંથ ભણું. શ્રી આચાર્યજી જ્યારે સંધ્યા વંદન કરી રહ્યા હતા, ત્યારે ગોવિંદ દૂબેએ આવીને આચાર્યશ્રીને વિનંતી કરી કે મહારાજ આપ મોટા પંડિત છો તો મને કંઈક ભણાવશો? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે તને હું ગીતા ભણાવીશ. ત્યારે ગોવિંદ દૂબે કહે કે મહારાજ મને વ્યાકરણ નથી આવડતું. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે કે તું ગીતા શિખીશ તો, તને વ્યાકરણ આપ મેળે આવડી જશે. ત્યારે ગોવિંદ દૂબેએ કહ્યું કે મહારાજ મારી પાસે ગીતાનું પુસ્તક નથી. ત્યારે આચાર્યજીએ પુસ્તક કાઢીને એક શ્લોક ગીતાનો ભણાવ્યો, પછી કહ્યું કે મારી આજ્ઞા છે આખી ગીતાનો પાઠ કરી જા. ગોવિંદ દૂબે આખી ગીતાનો સ્વાધ્યાય કરી ગયા પછી પોતાના સ્વમુખે ગીતાના એક શ્લોક કરાવ્યો. ગીતાનો સ્વાધ્યાય કરતાની સાથે ગોવિંદ દૂબેજીને ગીતાજીના શ્લોકાર્થનું જ્ઞાન થયું. તેમણે વિચાર્યું કે આચાર્યજીએ મને મૂર્ખમાંથી જ્ઞાની બનાવ્યો. સામાન્ય જીવનું આમ કરવાનું સામર્થ્ય નથી, તેથી આચાર્યજીને શરણે જાઉં તો સારુ.

સવારના સમયે શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી બોલ્યા કે, "મહારાજ, આપના સ્વરૂપને અમે શું જાણીએ ? આપ ઈશ્વરના અવતાર રૂપે ધરતી પર પધાર્યા છો. માટે અમારા જેવા મૂઢની અજ્ઞાનતા ભરેલી ઈચ્છાઓને મનમાં લાવતા, અમારો આપના શરણમાં લઈ, અમારો ઉધ્ધાર કરો." ત્યારે તેમની દીનતા ભરેલી વાણીથી પ્રસન્ન થયેલા શ્રી આચાર્યજીએ, તેમને શરણે લીધા, અને ઘેર જઇ પોતાના ઠાકુરજીની સેવા કરવાની આજ્ઞા કરી. ગોવિંદ દૂબે પોતાના ઘેર જઈ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા મુજબ શ્રી ઠાકુરજીની સેવા કરવા લાગ્યા.

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
[email protected]

Return to the varta index

Return to main courtyard of the Haveli